જીવન જ્યોતિ હાઇટ્સમાં થયેલ ચોરી જાણભેદુ દ્વારા કરાઈ હોવાની આશંકા
મોરબીના શનાળા રોડ પર રહેતા નિવૃત પટેલ પરિવારના ફ્લેટમાંથી ગઈ તા.૨૦ નવેમ્બરના રોજ અજાણ્યા ચોરોએ ૯.૧૦લાખ રૂપિયાના સોનાના દાગીનાની ચોરી કરી હતી. ઘટના સમયે પતિ-પત્ની પોતાની દીકરીના મામજીના ગામ ભાગવત કથા સાંભળવા ગયા હતા અને તેમની બીજી દીકરી ઓફીસ કામથી બહાર ગયી હતી તે દરમિયાન બંધ મકાનનું અજાણ્યા ચોર ઈસમ દ્વારા અન્ય ચાવી(માસ્ટર કી)થી લોક ખોલીને રૂમમાં સેટી અંદર રાખવામાં આવેલ ૯.૧૦લાખની કિંમતના સોનાના દાગીનાની ચોરી કરી હોય તેવી આશંકા સાથે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મોરબી શહેરના શનાળા રોડ પર ભક્તિનગર સર્કલ રાજેશ પાર્કમાં જીવનજયોતિ હાઇટ્સ બ્લોક નં. ૫૦૨ ખાતે રહેતા ૬૫ વર્ષીય નિવૃત લક્ષ્મણભાઈ દેવકરણભાઈ વડસોલાએ એ ડિવિઝન પોલીસ મથકમાં પોતાની ફરિયાદમાં જણાવ્યું કે પોતે નિવૃત હોય જેથી આખો દિવસ ઘરે જ હોય છે પરંતુ ગઈ તા.૨૦ નવેમ્બરના રોજ તે અને તેમના પત્ની વનીતાબેન સવારે આશરે ૮ વાગ્યે તેમની દીકરીના મામજીના ખાનપર ગામે ભાગવત કથા સાંભળવા ગયેલા હતા. ઘરના અન્ય સભ્યોમાં તેમની બીજી દીકરી ૯ વાગ્યે ઘરના દરવાજાને લોક કરીને ઓફિસે ગયી હતી. ત્યારબાદ બપોરના સમયે તેમની દીકરી ઘરે જમવા આવી હતી ત્યારે પણ ઘરની બધી ચીજવસ્તુઓ વ્યવસ્થિત હતી.
જે દિવસો બાદ તા.૨૪ નવેમ્બરના રોજ લક્ષ્મણભાઈની દીકરી તેમના મામજીને ત્યાં ભાગવત કથામાં હાજરી આપવા મોરબી આવ્યા હતા. ત્યારે તેણે તેના સોનાના દાગીના સાચવવા આપ્યા હતા તે દાગીનાની માંગણી કરતા રૂમમાં સેટીમાં રાખવામાં આવેલ સોનાના દાગીના લેવા જતા સેટી તપાસી ત્યારે તેમની પત્નીના અને દીકરીના તમામ સોનાના દાગીના ગાયબ હતાં. ચોરી થયેલા દાગીનામાં ૮ તોલાના સોનાના બલોયા, ૪.૨૫ તોલાની પેન્ડલ બુટી માળાની જોડી અને ૧ તોલાનો સોનાનો ચેઇન સહિત કુલ ૯,૧૦,૦૦૦/-ની કિંમતના દાગીના હતા. ઘરે પરિવારની ગેરહાજરીમા કોઈ અજાણ્યા ચોરોએ ફ્લેટના દરવાજાનું લોક માસ્ટર કીનો ઉપયોગ કરીને ખોલી દાગીનાની ચોરી કરી હોય જે મુજબની ફરિયાદના આધારે સીટી એ ડિવિઝન પોલીસે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.









