મોરબી જીલ્લામાં બેફામ ગતિએ અને ટ્રાફિક નિયમોને નેવે મૂકી ચાલતા ડમ્પરો ઉપર તંત્ર ક્યારે અંકુશ લગાવી છાશવારે બનતા માર્ગ અકસ્માતના બનાવો ઉપર રોક લગાવશે તે આવનારા સમયમાં જોવું રહ્યું હાલ તો માતેલા સાંઢની જેમ પુરપાટ ગતિએ ચાલતા ડમ્પરે વધુ એક બાઇકને હડફેટે લઈ આશાસ્પદ યુવકનો જીવનદીપ બુઝાવી નાખ્યો છે, જેમાં હલવાદથી માળીયા જતા રોડ ઉપર રોડ ક્રોસ કરી રહેલા બાઇકને ડમ્પર દ્વારા પાછળથી ટક્કર મારી અકસ્માત સર્જતા બાઇક ચાલક યુવકને કપાળે તેમજ શરીરે ગંભીર ઇજા પહોંચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. હાલ મૃતકના ભાઈ દ્વારા ડમ્પર ચાલક વિરુદ્ધ માળીયા(મી) પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
માળીયા(મી)ના વાધરવા ગામે રહેતા દિગ્વિજયસિંહ બળવંતસિંહ જાડેજા ઉવ.૪૫ દ્વારા આરોપી ડમ્પર રજી.નં. જીજે-૩૬-ટી-૭૭૭૭ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં ફરીયાદીના નાનાભાઈ નીતીરાજસિંહ બળવંતસિંહ જાડેજા પોતાનું મોટરસાયકલ રજી નં.જીજે-૦૩-એફબી-૮૭૩૫ વાળુ લઈ હળવદ માળીયા હાઈવે ઉપર રોડ ક્રોસ કરવા જતા હોય તે દરમ્યાન આરોપીએ પોતાનું ડમ્પર પુરઝડપે અને ગફલતભરી રીતે પોતાની તથા બીજાની જીંદગી જોખમાય તે રીતે ચલાવી પાછળથી આવી નિતિરાજસિંહને મોટર સાયકલ સહિત હડફેટે લેતા નિતિરાજસિંહને કપાળના ભાગે તથા કાનના ભાગે તથા હાથના પોચા પાસે ગંભીર ઈજા પહોંચતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. હાલ માળીયા(મી) પોલીસે આરોપી ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની અટકાયત કરવા તજવીજ હાથ ધરી છે.