ચારેક મહિના પહેલા ઉછીના લીધેલા એક લાખ રૂપિયા પરત આપી દીધા હોવા છતાં એ લેતીદેતીને લઈને બે શખ્સોએ યુવકનું અપહરણ કરી, પ્લાસ્ટિકના પાઇપથી માર મારી, જાનથી મારી નાંખવાની ધમકી અપાયાની ફરિયાદ એ.ડીવી. પો. સ્ટે.માં નોંધાતા પોલીસે બે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
બનાવની એ.ડીવી. પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર રવાપર રોડ આવેલ તિરૂપતિ સોસાયટીમાં રહેતા નીરવ અરવિનભાઈ બોપલિયા (ઉ.વ.૨૮) નામના યુવાને એ.ડીવી. પોલીસ સ્ટે.માં આજે શુક્રવારે વ્હેલી સવારે ફરિયાદ નોંધાવી હતી કે, રોહિત જિલરીયા નામના યુવાન પાસેથી આશરે ચારેક માસ પૂર્વે તેણે એક લાખ રૂપિયા લીધેલા જે પરત કરી દીધા હોવા છતાં ગુરુવારે મોડી રાત્રે 11 થી 12 વાગ્યા દરમ્યાન રોહિત જિલરીયા તથા એક અજાણ્યા શખ્સે બળજબરી પૂર્વક વાહનમાં બેસાડી કાકા કાઠિયાવાડી હોટલની પાછળ લઈ જઈ પ્લાસ્ટિકના પાઇપ વડે માર માર્યો હતો. સાથે રહેલા અજાણ્યા શખ્સે ઢીંકા પાટુથી મૂંઢમાર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી નાસી ગયા હતા. બનાવની ફરિયાદનાં આધારે હેડ. કોન્સ. એચ.એમ.ચાવડાએ આરોપીઓને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે.