સવારથી જ સરદાર પટેલની પ્રતિમા પાસે કોંગી કાર્યકરો ઉમટ્યા : પોલીસના ધાડેધાડા


ગઈકાલે મોરબી તાલુકા સેવાસદન ખાતે કોંગ્રેસના વોર્ડ નં.૧નાં પ્રમુખ ઉપર ભાજપના ઉમેદવારે હુમલો કર્યાની ઘટના બાદ સાંજના સમયે ભાજપના ઉમેદવારના ભત્રીજા સહિતના આઠ ઈસમોએ કોંગ્રેસનાં વોર્ડ નં. ૧નાં પ્રમુખના ઘર ઉપર ઘાતક હથિયારો સાથે હિંસક હુમલો કરતા વોર્ડ પ્રમુખ અને તેમના ભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા સારવારમાં ખસેડાયા હતા અને આ ઘટનાના ઘેર પ્રત્યાઘાત વચ્ચે કોંગ્રેસે ગઈકાલે સરદાર પટેલની પ્રતિમાથી લઈ નગર દરવાજા સુધી મૌન રેલી યોજવા જાહેરાત કરવામાં આવી હતી. આજે સવારે 10 વાગ્યે યોજાનાર કોંગ્રેસની મૌન રેલીને સંબંધિત વિભાગો દ્વારા મંજૂરી આપવામાં ન આવતા અંતે આજે કોંગ્રેસ પ્રમુખ અને ધારાસભ્ય લલિતભાઈ કગથરાએ રેલી રદ કરવાની જાહેરાત કરી હતી.તેમને વધુમાં જણાવ્યું હતું કે આજે ઉમેદવારીપત્ર પરત ખેંચવાનો અંતિમ દિવસ હોવાથી અમે સમય વેડફવા માંગતા નથી અને તંત્ર આચાર સંહિતાના નામે રેલી યોજવામાં વિઘ્ન નાખ્યું હોવાનો આરોપ લગાવ્યો હતો. મૌન રેલી સ્થળે જીલ્લા ક્રોંગેસ પ્રમુખ લલીતભાઇ કગથરા, કોંગી અગ્રણી જયંતિભાઇ જેરાજભાઇ પટેલ, કે.ડી.પડસુંબીયા, એલ.એમ.કંઝારીયા, મહેશભાઇ રાજયગુરૂ, મહેન્દ્રસિંહ (રંગપર), દેવજીભાઇ પરેચા (ઘુંટું), ટીનાભાઇ લોરીયા, રમેશભાઇ રબારી સહીતના તમામ આગેવાનો અને કોંગી કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

મોરબી જીલ્લા અધિક કેતન જોશીના જણાવ્યા અનુસાર પ્રથમ સ્થાનિક પોલીસ અભિપ્રાય આપે છે એ બાદ નાયબ પોલીસ અધિક્ષક અને બાદમાં પોલીસ અધિક્ષક એ બાદ મંજૂરી માટે મામલતદાર પાસે કાગળો આવે છે પરંતુ આ પ્રક્રિયા હજુ કોંગ્રેસ દ્વારા પૂર્ણ કરવામાં આવી જ નથી તો મજૂરી આપવા ન આપવાની કોઈ વાત આવતી જ નથી ત્યારે તંત્ર પર કોંગ્રેસ દ્વારા કરવામાં આવતા આક્ષેપો પાયા વિહોણા ગણાવ્યા હતા.


આમ, મંજુરીનાં અભાવે કોંગ્રેસની મૌન રેલી રદ કરવામાં આવી હતી જોકે સવારથી જ સરદાર પટેલની પ્રતિમા પાસે કોંગી કાર્યકરો ઉમટી પડ્યા હતાં જેને અનુસંધાને પોલીસનો ચાંપતો બંદોબસ્ત રેલીનાં સ્થળે ગોઠવી દેવામાં આવ્યો હતો.









