મોરબી જીલ્લામાં ગઈકાલે તા.૧૬/૦૬ની રાત્રી દરમિયાન મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી આપી હતી. મોરબીમાં સૌથી વધુ ૧૨૪ મીમી એટલે કે પોણા પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જ્યારે ટંકારામાં ૧૦૦ મીમી, હળવદમાં ૮૯ મીમી, વાંકાનેરમાં ૫૭ મીમી અને માળીયા(મી)માં ૪૬ મીમી વરસાદ ખાબક્યો છે. સતત ૧૨ કલાક વરસાદ વરસતાં સમગ્ર જીલ્લામાં શિયાળા જેવી ઠંડક પ્રસરી છે અને ચોમાસાની સચોટ શરૂઆતથી આનંદનો માહોલ છવાઈ ગયો છે.
મોરબી જીલ્લામાં ગઈકાલે તા. ૧૬ જૂનના સાંજે ૬ વાગ્યાથી શરૂ થયેલો વરસાદ અવિરત સતત સવારે ૬ વાગ્યા સુધી વરસતો રહ્યો હતો. આમ ચોમાસાની પ્રથમ મોટી વરસાદી ઇનિંગે સમગ્ર પંથકને ભીંજવી નાખ્યું છે. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે તો બીજી તરફ સામાન્ય નગરજનોને પણ ગરમી અને ઉકળાટમાંથી રાહત મળી છે.
મોરબી શહેરમાં ૧૨૪ મીમી એટલે કે પોણા પાંચ ઇંચ વરસાદ પડયો છે, જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. ટંકારામાં પણ ચાર ઇંચ એટલે કે ૧૦૦ મીમી વરસાદ નોંધાયો છે. હળવદમાં ૮૯ મીમી એટલે કે સાડા ત્રણ ઇંચ, વાંકાનેરમાં ૫૭ મીમી એટલે કે સવા બે ઇંચ અને માળીયા(મી) ૪૬ મીમી વરસાદ નોંધાયો છે. વરસાદને કારણે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા છે. કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં નાગરિકોને હાલાકીનો સામનો પણ કરવો પડ્યો હતો. જોકે, વરસાદના લીધે ખેતીપાકને નવી ઉર્જા મળી છે, જેથી ચોમેરથી આનંદની લાગણી છવાઈ છે