વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ભારત દેશને ૨૦૨૫ સુધીમાં ટી.બી. રોગથી નિર્મુલન કરવા માટે પ્રયાસો હાથ ધરાયા છે. તથા રાજય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૨ સુધીમાં ટી.બી. રોગને નિર્મૂલન કરવાનું નિયત કરેલ છે. આ હેતુને સિધ્ધ કરવા માટે તારીખ ૨૨ થી તા.૨૬ એમ પાંચ દિવસ માટે સમગ્ર ગુજરાતમાં ટીબીના કેસ શોધવા માટે ખાસ સર્વે કરવામાં આવનાર છે. જેના ભાગરૂપે મોરબી જીલ્લાના તમામ તાલુકામાં આરોગ્ય કર્મચારી દ્વારા દરેક ઘરની મુલાકાત લઈ ટી.બી. રોગના લક્ષણો જેવા કે બે અઠવાડિયા કે વધુ સમયથી ગળફા સાથે ખાંસી હોવી, છાતીનો દુ:ખાવો થવો, ઘણી વખત ગળફામાં લોહી આવવું, સાંજના સમયે શરીરનું તાપમાન વધવું, વજન ઘટવું, ભૂખ ન લાગવી વગેરે વિશે પુછપરછ કરવામાં આવશે. જો કોઇ વ્યક્તિને ટી.બી.ના લક્ષણો જણાય તો નજીકના સરકારી દવાખાને મોકલવામાં આવશે. જો તેમને ટી.બી માલુમ પડે તો તેમની સારવાર વિનામૂલ્યે કરવામાં આવશે અને સરકાર દ્વારા નિક્ષય પોષણ સહાય યોજના અંતર્ગત દર મહિને રૂ.૫૦૦ આપવામાં આવશે. આ સર્વે દરમ્યાન આંગણે આવતા આરોગ્ય કર્મચારીને સહકાર આપવા મોરબી જીલ્લાની જનતાને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે. એમ. કતિરા તથા જિલ્લા ક્ષય અધિકારી ડો. ડી. વી. બાવરવાએ અપીલ કરી છે.