મોરબી મહાનગરપાલિકાની યુ.સી.ડી. શાખા દ્વારા શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ તથા મનપાના એક વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સખી મંડળ અને યોજનાકીય લાભાર્થી બહેનો માટે વિવિધ સ્પર્ધાઓ અને આજીવિકા કેમ્પ યોજાયો હતો. આ સ્પર્ધાઓમાં ૪૮ બહેનો અને આજીવિકા કેમ્પમાં ૧૪૭ જેટલી બહેનોએ લાભ મેળવ્યો હતો.
મોરબી મહાનગરપાલિકાની યુ.સી.ડી.(અર્બન કમ્યુનિટી ડેવલપમેન્ટ) શાખા દ્વારા શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ તથા મહાનગરપાલિકાને એક વર્ષ પૂર્ણ થયાની ઉજવણી અંતર્ગત રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન હેઠળ રચાયેલા સખી મંડળની બહેનો તથા વિવિધ યોજનાકીય લાભાર્થી બહેનો માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તા. ૨૭/૧૨/૨૦૨૫ના રોજ યોજાયેલા આ કાર્યક્રમમાં વાનગી સ્પર્ધા, મહેંદી સ્પર્ધા અને વેસ્ટમાંથી બેસ્ટ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. વાનગી સ્પર્ધામાં ૧૭, મહેંદી સ્પર્ધામાં ૧૧ અને વેસ્ટમાંથી બેસ્ટ સ્પર્ધામાં ૧૮ બહેનો એમ કુલ ૪૮ બહેનો દ્વારા ઉત્સાહપૂર્વક ભાગ લેવાયો હતો. તમામ સ્પર્ધકોને પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા તેમજ પ્રથમ અને દ્વિતીય ક્રમાંક મેળવનાર બહેનોને પારિતોષિકોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે સાથે આયોજિત આજીવિકા કેમ્પમાં માટીકામ, ઇમિટેશન જ્વેલરી તથા હેન્ડીક્રાફ્ટના ડેમો આપવામાં આવ્યા હતા, જેથી બહેનો ઘરેબેઠા રોજગાર મેળવી સ્વાવલંબી બની શકે. આ કેમ્પનો લાભ કુલ ૧૪૭ જેટલી લાભાર્થી બહેનો દ્વારા લેવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં મોરબી મહાનગરપાલિકા યુ.સી.ડી. શાખાના અધ્યક્ષ, ગુજરાત સ્ટેટ કન્સલ્ટન્ટ અધિકારી, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, મહિલા હેલ્પલાઇન અભયમ-૧૮૧, ICDS વિભાગ તેમજ માનવ સેવા એજ પ્રભુ સેવા સંસ્થા અને ઇન્ડિયન લાયન્સ ક્લબ સહિતના પ્રતિનિધિઓ ખાસ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.









