મોરબી : કોરોનાએ ફરી માથું ઊંચક્યું છે તેવા સમયે જ શહેરમાં દૂષિત પાણી વિતરણ થઈ રહ્યું હોય લોકોમાં રોગચાળાનો ભય ફેલાયો છે અને ગંદા પાણીને લઈને ફરિયાદો ઉઠી છે.
મળતી માહિતી મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ગઈકાલથી પીળા રંગનું ગંદુ પાણી વિતરણ કરાયા બાદ પાલિકા વોર્ડ નંબર-5 માં છેલ્લા એક સપ્તાહથી દૂષિત પાણી મળતું હોવાની ફરિયાદો ઉઠી છે. વિશીપરા વિસ્તારમાં પણ પીળા કલરનું અને અત્યંત દુર્ગંધ મારતું પાણી વિતરણ થઈ રહ્યું છે. પીવા માટે તો બહુ દુરની વાત છે વાપરવા માટે પણ બિનઉપયોગી પાણીથી આ વિસ્તારમાં ગંભીર રોગચાળાની ભીતિ ઉભી છે. સ્થાનિકોના અનુમાન અનુસાર પીવાના પાણીની તૂટેલી પાઇપલાઇન સાથે ભૂગર્ભ ગટરના દૂષિત પાણી કોઈપણ જગ્યાએ ભળી જાય છે. આ અંગે સત્વરે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા માટે સ્થાનિકોએ માંગ કરી છે.