જય શ્રી મેલડી માતાજીના નવનિર્માણ મંદિર દાધોળીયા તેમજ જય શ્રી મેલડીમા ગ્રુપ આણંદપર દ્વારા આયોજિત લક્કી ડ્રોના આયોજકો વિરુદ્ધ ગુનો નોંધાયો.
વાંકાનેરમાં જય શ્રી મેલડી માતાજીના નવનિર્માણ મંદિરના નામે ગેરકાયદેસર રીતે લક્કી ડ્રોની ઇનામી ટિકિટો વેચાણ થતું હોવાની મળેલ બાતમીને આધારે વાંકાનેર સીટી પોલીસે દરોડો પાડી એક વ્યક્તિને ઝડપી લેવામાં આવ્યો છે, આ સાથે સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલ કુલ આઠ આરોપીઓ વિરુદ્ધ પ્રાઇઝ ચીટ એન્ડ મની સર્ક્યુલેશન સ્કિમ (બેનીંગ) એક્ટ તથા ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.
વાંકાનેર સીટી પોલીસ માથક ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ખાનગીરાહે બાતમી મળી હતી કે, વાંકાનેર નર્સરી ચોકડી પાસે રોડ સાઈડ એક મંડપ નીચે ગેરકાયદેસર રીતે ઇનામી લક્કી ડ્રોની ટિકિટો વેચાઈ રહી છે. જેથી બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચી પંચોની હાજરીમાં તપાસ કરતા એક ઇસમ સનાભાઈ હરજીભાઈ મકવાણા ઉવ.૫૨ રહે.લાકડધાર તા.વાંકાનેર વાળો ટેબલ-ખુરશી સાથે ટિકિટો વેચતો ઝડપાયો હતો. આ સાથે જાહેરમાં લક્કી ડ્રોની ટિકિટ વેચાણ માટે કોઈ લાયસન્સ કે મંજૂરી ન હોય જેથી પોલીસે ઉપરોક્ત આરોપીની અટક કરી હતી. જ્યારે પકડાયેલ આરોપી પાસેથી પોલીસે જય શ્રી મેલડી માતાજીના નવનિર્માણ મંદિર દાધોળીયા (તા. મુળી, જી. સુરેન્દ્રનગર) તેમજ જય શ્રી મેલડીમા ગ્રુપ આણંદપર દ્વારા આયોજિત લક્કી ડ્રોની વિવિધ ટિકિટ બુકો, બેનરો, સ્ટીકરો, બે ડાયરીઓ તથા OPPO A5 મોબાઇલ ફોન સહિતની સામગ્રી કબ્જે કરી હતી. ટિકિટો પર લોભામણી જાહેરાતો સાથે અનેક ઇનામોની વિગતો દર્શાવવામાં આવી હતી અને એક ટિકિટનો ભાવ રૂ. ૩૪૯/- તથા રૂ. ૩૯૯/- દર્શાવવામાં આવ્યો હતો.
ત્યારે આરોપીની સઘન પૂછપરછ તથા પોલીસ તપાસ દરમ્યાન બહાર આવ્યું હતું કે મંદિરના લાભાર્થે હોવાનો દાવો કરી કોઈપણ કાયદેસર મંજૂરી વગર ગેરકાયદેસર રીતે ટિકિટો છપાવી વેચાણ કરવામાં આવી રહ્યું હતું. આ મામલે પોલીસે એક આરોપીની સનાભાઈ હરજીભાઈ મકવાણાની અટક કરી છે અને અન્ય આરોપી આયોજકો જુગાભાઈ, સુરાભાઈ, રમેશભાઈ, શિવાભાઈ, વિપુલભાઈ, પ્રવિણભાઈ, મેરાભાઈ, વિષ્ણુભાઈ, ભરતભાઈ એચ. ડાભી, ભરતભાઈ એમ. વાઘેલા, મહિપતભાઈ જી. ડાભી, રોહિતભાઈ એમ. વાઘેલા સહિત કુલ ૧૨ આરોપીઓ સામે ધ પ્રાઇઝ ચીટ એન્ડ મની સર્ક્યુલેશન સ્કિમ (બેનીંગ) એક્ટ તેમજ ભારતીય ન્યાય સંહિતા અધિનિયમની કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ વાંકાનેર સીટી પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.









