ઉદ્યોગોના ૩૬ પ્રશ્નો રજૂ કરાયા; નિરાકરણની પ્રભારી મંત્રીની ખાતરી.
મોરબી: ગુજરાતના રાજ્યકક્ષાના ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ વિભાગના મંત્રી તેમજ મોરબી જીલ્લાના પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષસ્થાને મોરબી કલેકટર કચેરી ખાતે ઉદ્યોગપતિઓ સાથે ઓપન હાઉસ જીલ્લા વહીવટી તંત્ર અને જીલ્લા ઉધોગ કેન્દ્ર દ્વારા યોજાઇ હતી. જેમાં ઉદ્યોગોના ૧૧ વિભાગના ૩૬ પ્રશ્નો રજૂ કરાયા હતા.
જીલ્લાના પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાએ ઉધોગપતિઓ, ઉધોગગૃહના પ્રતિનિધિઓને કહ્યું હતું કે ગુજરાતના વિકાસમાં મોરબીના ઉદ્યોગનું મહત્વનું યોગદાન છે. ત્યારે કોઈ પણ જીલ્લાના ઉધોગગૃહના વિવિધ સ્થાનિક, વહીવટી કે રાજ્યકક્ષાના પ્રશ્નો જાણી તેમને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ આવે તેમજ આ બાબતે સમયાંતરે સમીક્ષા કરવામાં આવે તેવુ રાજ્ય સરકારનું વિઝન છે. મંત્રીએ વધુમાં કહ્યું હતું કે, મોરબી જીલ્લાના વિકાસ માટે રાજ્ય સરકારનો અભિગમ સકારાત્મક છે એટલે જ મોરબીને મહાનગર પાલિકા અને ટંકારાને નગરપાલિકા બનાવી છે ત્યારે ઉધોગોના વધુ વેગ માટે તેમજ મૂંઝવતા પ્રશ્નો માટે રાજ્ય સરકાર પૂરતો સહયોગ આપશે. આ સાથે નીતિ વિષયક સિવાયના પ્રશ્નોના નિરાકરણની મંત્રીએ ખાતરી આપી હતી.
જીલ્લા કલેક્ટર કે. બી. ઝવેરીએ ઉધોગપતિઓ, ઉધોગગૃહના પ્રતિનિધિઓને આવકારીને ઓપન હાઉસનો હેતુ જણાવતા કહ્યું હતું કે ઉધોગગૃહના પ્રશ્નોના નિરાકરણ માટે તંત્ર પૂરતો સહયોગ આપશે. આ તકે જીલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધી, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, કલેક્ટર કે. બી. ઝવેરી, મ્યુ. કમિશનર સ્વપ્નિલ ખરે, પોલીસ અધિક્ષક મુકેશ પટેલ, જીલ્લા વિકાસ અધિકારી નવલદાન ગઠવી, અધિક નિવાસી કલેક્ટર એસ. જે. ખાચર, જીલ્લા ઉધોગ કેન્દ્રના જનરલ મેનેજર એસ.બી. પારેજિયા સહિતના સબંધિત અધિકારીઓ, ઉધોગપતિઓ, ઉધોગગૃહના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.









