મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે પર લાલપર ગામ નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહનની અડફેટે બાઈક ચાલક પ્રૌઢનું મોત થયું છે. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા બાઈક ચાલકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. ત્યારે અકસ્માત મામલે મૃતકના નાનાભાઈની ફરિયાદને આધારે તાલુકા પોલીસે આરોપી અજાણ્યા વાહનના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
મોરબીના લાલપર ગામ નજીક મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે પર એક ગંભીર હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. જેમાં ગત તા. ૦૧/૦૨/૨૦૨૬ના રોજ રાત્રીના આશરે સાડા આઠથી પોણા નવ વાગ્યાના સુમારે બાઈક ચાલક સુરેશભાઈ ચતુરભાઈ દેત્રોજા ઉવ.૫૫ રહે.વર્ધમાન એપાર્ટમેન્ટ-૨૦૪ લીલાપર રોડ મોરબી મૂળરહે. લગધીરનગર-નવાગામ વાળા હીરો હોન્ડા કંપનીનું મોટરસાયકલ રજી.નં. જીજે-૦૩-એફઆર-૦૬૩૦ લઈને લાલપર ખાતે આવેલી પોતાની ઓફિસેથી ઘરે મોરબી તરફ જઈ રહ્યા હતા, તે દરમિયાન લાલપર એસ.બી.આઈ. બેંક સામે આવેલા સર્વિસ રોડ પર અજાણ્યા વાહન ચાલકે બેફામ ઝડપે અને બેદરકારીપૂર્વક વાહન ચલાવી બાઈકને ઠોકર મારી હતી. આ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ સુરેશભાઈને ઘટના સ્થળે હાજર રહેલા અજાણ્યા બે ઇસમોએ પ્રાઈવેટ વાહનમાં મોરબીની ક્રિષ્ના હોસ્પિટલે ખસેડ્યા હતા. જ્યાં હાજર ડોકટરે જોઈ તપાસી સુરેશભાઈને મૃત જાહેર કર્યા હતા. ત્યારે સમગ્ર અકસ્માતના બનાવ મામલે મૃતકના ભાઈ રાજનીશભાઈ ચતુરભાઈ દેત્રોજાની ફરિયાદને આધારે મોરબી તાલુકા પોલીસે આરોપી અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.









