મહર્ષિ દયાનંદ સરસ્વતીની પાવન જન્મભૂમિ ટંકારામાં આર્ય સમાજ ત્રણ હાટડી દ્વારા બે દિવસીય ‘શતાબ્દી મહોત્સવ’નો આજથી ભવ્ય પ્રારંભ થયો છે. આર્ય સમાજ ટંકારાની સ્થાપનાના ૧૦૦ વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં યોજાયેલા આ મહોત્સવમાં વૈદિક વિચારધારા, સમાજ સુધારણા અને આર્ય સમાજના આદર્શોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
પ્રથમ દિવસે સવારે યજ્ઞ અને ધ્વજવંદન સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ ટંકારાના મુખ્ય માર્ગો પરથી વિશાળ શોભાયાત્રા યોજાઈ હતી. આ શોભાયાત્રામાં આર્ય વિરાંગનાઓ, આર્ય વીરો તેમજ દેશ-વિદેશમાંથી આવેલા અનેક અનુયાયીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.
અગ્નિહોત્ર રથ અને વીરાંગના દળ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. મહોત્સવમાં સ્વામી શાંતાનંદજી, મુનિ સત્યજીતજી, આચાર્ય આર્ય નરેશજી જેવા પ્રખર વિદ્વાનો અને સંતોએ ઉપસ્થિત રહી આશીર્વચન આપ્યા હતા. ગુરૂકુલ આચાર્ય રામદેવ શાસ્ત્રી, આરએસએસના ડો. ભાડેસિયા તેમજ ટંકારાના ધારાસભ્ય દુલભજી દેથરીયા સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા. આ અવસરે મહર્ષિ દયાનંદ સરસ્વતીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. ‘સત્યાર્થ પ્રકાશ’ના મહત્વ અને વર્તમાન રાષ્ટ્રીય મુદ્દાઓ પર વ્યાખ્યાનો યોજાયા હતા. વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોની રજૂઆત કરવામાં આવી હતી. સાથે જ શ્રોતાઓ માટે ‘આત્મનિરીક્ષણ કસોટી’ જેવી બૌદ્ધિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે.
આવતીકાલે ૧૩ ફેબ્રુઆરીએ આર્ય સમાજ સાથે જોડાયેલા પાયાના કાર્યકરો અને પૂર્વ સભ્યોનું સન્માન કરવામાં આવશે. ટંકારા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તેમજ ગુજરાત આર્ય પ્રતિનિધિ સભાના હોદ્દેદારોની નિશ્રામાં મહિલા સંમેલન અને આર્ય યુવા શક્તિના ઉત્થાન અંગે વિશેષ ચર્ચાઓ યોજાઈ હતી. બે દિવસીય શતાબ્દી મહોત્સવનું સમાપન મુનિ સત્યજીતજીના આશીર્વાદ અને શાંતિપાઠ સાથે કરવામાં આવશે. આ મહોત્સવ દ્વારા વૈદિક સંસ્કૃતિ અને આર્ય સમાજના આદર્શોને નવું બળ મળશે તેમજ યુવા પેઢીમાં જાગૃતિ ફેલાશે.










