મોરબી લોકલ ક્રાઈમ બ્રાન્ચે માળિયા-મિયાણા પોલીસ સ્ટેશન વિસ્તારના નાના દહીંસરા ગામે આવેલ રેલવે ફાટક સામે આવેલી એક ઓરડીમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવતા પોલીસે બે શખ્સો સામે કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, મોરબી પોલીસ દ્વારા પ્રોહિબિશનની પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી હતી. દરમિયાન બાતમીના આધારે LCB ટીમે નાના દહીંસરા ગામે રેલવે ફાટક સામે કાચા રસ્તા ઉપર આવેલા સિમેન્ટના પતરાવાળી ઓરડીમાં દરોડો પાડ્યો હતો. અહીંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે સ્થળ પરથી ગ્રીન લેબલ સ્પેશિયલ ફોર રેય બ્લેન્ડ વ્હિસ્કીની બોટલ નંગ-119, જેની કુલ કિંમત રૂ.65,105 તથા બીયરના ટીન નંગ-13, કિંમત રૂ.300 મળી કુલ રૂ.65,405નો મુદ્દામાલ કબજે કર્યો છે.તપાસ દરમિયાન પોલીસને જાણવા મળેલ કે આ જથ્થો વિજયભાઈ નારણભાઈ ચાવડા (રહે. શક્ત શનાળા, મોરબી) તથા હરેશભાઈ નરસીભાઈ બારોટ (રહે. રાજકોટ) નામના ઇસમો નો છે જેથી બંને ને હાલ ફરાર જાહેર કરી ગુનો નોંધવામાં આવ્યો છે.
આ કામગીરીમાં મોરબી એલસીબી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.પી જાડેજા ,પીએસઆઇ સહિતના અધિકારીઓ અને સ્ટાફ જોડાયો હતો.






