સીસીટીવી ફૂટેજના આધારે નામજોગ બે શખ્સ સહિત ત્રણ વિરુદ્ધ ગુનો નોંધાયો.
મોરબી-૨ વિસ્તારમાં આવેલ ભક્તિનગર સોસાયટીમાં શેરી નં.૨ માં એક વેપારીના ઘર આગળ પાર્ક કરેલ બે મોટર સાયકલ ઉપર અજાણ્યા શખ્સોએ પેટ્રોલ છાંટી સળગાવી દીધા હતા. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે બે નામજોગ અને એક અજાણ્યા આરોપી સામે ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ભક્તીનગર સોસાયટી શેરી નં.૨ માં રહેતા ભાવેશભાઈ મોહનભાઈ થારેચા ઉવ.૪૫ વાળાના ઘરની બહાર પાર્ક કરેલ બે વાહનો સળગાવી દેવાનો બનાવ સામે આવ્યો છે. ત્યારે ભાવેશભાઈએ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે, ગત તા.૧૧ ફેબ્રુઆરીના વહેલી સવારે પોણા ચાર વાગ્યાના અરસામાં તેમના ઘર બહાર રાખેલ એક્ટિવા રજી. નં. જીજે-૩૬-એઈ-૬૪૪૪ અને મોટર સાયકલ રજી.નં. જીજે-૩૬-ક્યુ-૨૨૩૭ સળગી ગયેલી હાલતમાં જોવા મળ્યા હતા. બનાવ અંગે તેઓએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. ત્યારે સ્થળ પરથી પેટ્રોલની વાસ આવતી પાણીની બોટલ મળી આવતા કોઈએ ઇરાદાપૂર્વક વાહનો સળગાવ્યા હોવાની આશંકાએ આસપાસના વિસ્તારમાં લગાવેલા સીસીટીવી ફૂટેજ ચકાસતા બનાવના સમયે મિલિટ્રી કલરનું બુલેટ મોટરસાયકલ રજી.નં. જીજે-૨૭-સીએસ-૪૧૯૭ ઉપર ત્રણ શખ્સ સવાર થઈ ઘર તરફ આવતા દેખાયા હતા.
ફૂટેજના આધારે બુલેટ ચલાવનાર આરોપી નિકુંજભાઈ જાની રહે.શિવરાજપુર તા.જસદણ જી.રાજકોટ અને પાછળ બેઠેલો આરોપી ડોડીયા સુજલ રહે.જસદણ તા.જી.રાજકોટ હોવાની ઓળખ થઈ હતી, જ્યારે ત્રીજો શખ્સ અજાણ્યો હોવાનું જણાવાયું છે. આરોપીઓ પાણીની બોટલમાં પેટ્રોલ લઈને આવી બંને વાહનો ઉપર છાંટી આગ લગાવી ફરિયાદીને આશરે રૂ.૧,૧૦,૦૦૦/- નું નુકસાન કર્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. હાલ બી ડિવિઝન પોલીસે આ મામલે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.









