અજાણ્યા નિષ્ઠુર માતા-પિતા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ.
હળવદ તાલુકાના મેરૂપર ગામે ઉકેરડામાં નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. નવજાત બાળકના મૃતદેહને શ્વાનો દ્વારા ખાધેલા હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે ગામના સરપંચ દ્વારા પોલીસને જાણ કરાતા, પોલીસે સ્થળ ઉપર પહોંચી અજાણ્યા માતા-પિતા વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
હળવદ તાલુકાના મેરૂપર ગામે માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. મેરૂપર ગામના સરપંચ રાજુભાઈ વશરામભાઈ ખેર ઉવ.૫૦ રહે. મેરૂપર તા.હળવદ વાળા દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ ગઈકાલ તા.૨૪/૦૨ના રોજ બપોરે આશરે ૧૨ વાગ્યાના અરસામાં તેઓ ગામમાં નીકળ્યા હતા. તે દરમિયાન ભવાની હાર્ડવેર પાસે આવેલ ઉકેરડા નજીક કોઈ અજાણ્યા માતા-પિતાએ તાજા જન્મેલા શિશુને જીવિત હાલતમાં અથવા તો જન્મ છુપાવવા માટે મૃતદેહનો નિકાલ કરવા ત્યજી દીધું હતું. નવજાત બાળકના મૃતદેહના અમુક ભાગોને શ્વાનો દ્વારા ખાઈ ગયેલ હાલતમાં મળી આવેલ હતું. બનાવ અંગે તરત જ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા મૃતદેહ કબજે લઇ આરોપી અજાણ્યા માતા-પિતા વિરુદ્ધ ગુનો નોંધી, હળવદ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.









