સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા વેપારીઓને દંડ આપીને સ્વચ્છતા અંગે માર્ગદર્શન આપ્યું.
મોરબી મહાનગરપાલિકા દ્વારા નાયબ કમિશનર સંજયકુમાર સોનીના માર્ગદર્શન હેઠળ ક્લસ્ટર-૬ ના વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતા અંગે નિયમિત નિકાલ અને સફાઈ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ ઉપર નિયંત્રણ રાખવા વેપારીઓને દંડ પણ અપાયો હતો. વધુમાં, સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલ કંપોસ્ટીંગ ખાતરનો વૃક્ષારોપણના વાવેતર માટે ઉપયોગ કરવામાં આવશે.
મોરબી મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા ગઈકાલે તા.૨૪ ફેબ્રુઆરીના રોજ ક્લસ્ટર-૬ ના વિવિધ વિસ્તારોમાં સફાઈની કામગીરીનું નિરીક્ષણ નાયબ કમિશનર સંજયકુમાર સોની દ્વારા કરવામાં આવ્યું હતું. આ વિસ્તારમાં ગઢની રાંગ, રામઘાટ, મહિલા પોલીસ સ્ટેશન, લીલાપર મેઇનરોડ અને વજેપર જેવા વિસ્તારોમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનના પોઈન્ટ ઉપર પણ વિઝિટ કરવામાં આવી હતી. ત્યારે નાયબ કમિશનરે સ્ટાફને નિયત સમયે ગાર્બેજ કલેક્શન અને યોગ્ય નિકાલની સૂચના આપીને શહેરમાં સ્વચ્છતા જાળવવા માટે સુચનો આપ્યા હતા. આ ઉપરાંત, સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગને રોકવા માટે નગર દરવાજા અને શાક માર્કેટ વિસ્તારમાં ૧૨ જેટલા વેપારીઓને પાસેથી રૂ.૯,૦૦૦/-નો દંડ વસૂલવામાં આવ્યો હતો.
મોરબી મહાનગરપાલિકા દ્વારા ૩ મહિના દરમિયાન કચેરી ખાતે ૨ ટન કંપોસ્ટીંગ ખાતર તૈયાર કરવામાં આવ્યું છે, જેની અંદાજિત કિ.રૂ.૬૦,૦૦૦/- છે. આ ખાતરનો ઉપયોગ વૃક્ષારોપણ અને જતન માટે કરવામાં આવશે. આ સાથે સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની આગળની કામગીરી વધુ આક્રમક અને વ્યાપક બનશે, જે માટે તમામ વેપારીઓ અને લારી-ગલ્લા ચલાવતા વેપારીઓને નોંધ લેવા અપીલ કરી છે.









