વાંકાનેર તાલુકાના જામસર ગામે વાડીમાં વીજ તાર તૂટી પડતા વીજ શોક લાગવાથી ૫૭ વર્ષીય ખેડૂતનું કરુણ મોત નિપજ્યું હતું. મૃતકને બચાવવા દોડેલા તેના પુત્રને પણ વીજ શોક લાગતા ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.
વાંકાનેર તાલુકાના જામસર ગામે રહેતા વાઘજીભાઈ શીવાભાઈ દેલવાડિયા ઉવ.૫૭ તેઓ પોતાના દીકરા જયદેવભાઈ ઉવ.૨૪ સાથે ગામની સીમમાં આવેલી પોતાની વાડી પર હતા. આ દરમિયાન વાડીમાં નીરણ સળગતા તેને ઓલવવા જતા વાડીમાંથી પસાર થતી જી.ઇ.બી.ની ત્રણ તારની વીજ લાઇનમાંથી એક તાર તૂટી નીચે પડી ગયો હતો. જે તૂટી ગયેલ વાયર ઉપર વાઘજીભાઈનો પગ આવતા તેમને જોરદાર વીજ શોક લાગ્યો હતો, જેના કારણે તેઓ ગંભીર રીતે દાઝી જતા મોત નિપજ્યું હતું. પિતાને બચાવવા માટે દોડી આવેલા તેમના પુત્ર જયદેવભાઈને પણ વીજ શોક લાગતા તેઓ બેભાન હાલતમાં પડી ગયા હતા. ત્યારબાદ તેમને તાત્કાલિક સારવાર માટે રફાળેશ્વર સ્થિત એપેક્ષ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓ હાલ સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે મૃત્યુના બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અ. મોતની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.









