Friday, March 6, 2026
HomeGujarat૮ માર્ચ- વિશ્વ મહિલા દિવસ વિશેષ

૮ માર્ચ- વિશ્વ મહિલા દિવસ વિશેષ

મોરબી જીલ્લાના શાસનને સુશાસન બનાવતાં મહિલા અધિકારીઓ.

- Advertisement -
- Advertisement -

આરોગ્ય, શિક્ષણ, મહિલા-બાળ વિકાસ, રોજગાર અને વન વિભાગમાં મહિલા અધિકારીઓનું મહત્વનું યોગદાન.

મોરબી: ૮ માર્ચ વિશ્વ મહિલા દિવસ નિમિત્તે મોરબી જીલ્લાના વહીવટી તંત્રમાં મહિલાઓનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. રાજ્ય સરકારની મહિલાઓ, બાળકો અને રોજગાર સંબંધિત અનેક યોજનાઓના અમલીકરણમાં મહિલા અધિકારીઓ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. ચૂંટણી પ્રક્રિયા જેવી લોકશાહી મજબૂત બનાવતી કામગીરીમાં પણ મહિલાઓ આગળ છે. જીલ્લાની સિવિલ હોસ્પિટલ, મેડિકલ કોલેજ, આયુર્વેદિક સેવા, મહિલા અને બાળ વિકાસ વિભાગ, રોજગાર વિભાગ અને વન વિભાગમાં કાર્યરત મહિલા અધિકારીઓ માત્ર પોતાની ફરજ જ નહીં પરંતુ સમાજ માટે પ્રેરણાસ્ત્રોત બની રહ્યા છે. આ અધિકારીઓએ સંઘર્ષ, મહેનત અને સમર્પણથી સરકારી સેવા સુધી પહોંચીને નવી પેઢી માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

સ્ટોરી- ૧

માતા બની મહિલા શક્તિની પ્રેરણા

“આઠ વર્ષની ઉંમરે પિતાનું અવસાન થયા પછી માતાએ ત્રણેય બહેનોને એકલા હાથે ઉછેરી ઉચ્ચ શિક્ષણ અપાવ્યું”

-મયુરી ઉપાધ્યાય, પ્રોગ્રામ ઓફિસર, ICDS મોરબી.

ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ મોરબી જીલ્લામાં ICDS પ્રોગ્રામ ઓફિસર તરીકે ફરજ બજાવતા મયુરી ઉપાધ્યાયના જીવનમાં બાળપણથી જ સંઘર્ષ રહ્યો હતો. માત્ર આઠ વર્ષની ઉંમરે પિતાનું અવસાન થતાં તેમની માતાએ ત્રણેય દીકરીઓને એકલા હાથે ઉછેરી શિક્ષિત બનાવી. આજે ત્રણેય બહેનો પોતાના ક્ષેત્રમાં સફળ છે. એક વકીલ, એક ખાનગી કંપનીમાં મેનેજર અને મયુરી ઉપાધ્યાય સરકારી અધિકારી તરીકે સેવા આપી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે ICDS વિભાગ દ્વારા બાળકો, કિશોરીઓ, ગર્ભવતી અને ધાત્રી માતાઓ માટે અનેક યોજનાઓ અમલમાં છે. વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન ૧૭,૧૮૫ બાળકોને પોષણયુક્ત ભોજનનો લાભ મળ્યો છે અને ૩૯,૦૨૦ લાભાર્થીઓને ટેક હોમ રેશન આપવામાં આવ્યું છે. ૨૦૭૪ બાળકો કુપોષણમાંથી બહાર આવ્યા છે.

સંદેશ: “મહિલાઓએ નિર્ધાર કરી લે તો કોઈપણ મુશ્કેલી પાર કરી શકે છે.”

સ્ટોરી- ૨

ગિરની દીકરી હવે કરે છે જંગલની સંભાળ.

મોરબી વન વિભાગના ચેર રેન્જમાં મેન્ગ્રુવ સંરક્ષણની જવાબદારી.

-તૃપ્તિ જોષી, રેન્જ ફોરેસ્ટ ઓફિસર.

સાસણ ગિર નજીકના આંબલગઢ ગામમાં જન્મેલી તૃપ્તિ જોષી આજે વન વિભાગમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર તરીકે મહત્વપૂર્ણ ફરજ બજાવી રહ્યા છે. તેઓ હાલ મોરબી જીલ્લાના ચેર રેન્જ વિસ્તારમાં નવલખી દરિયાકાંઠે મેન્ગ્રુવ સંરક્ષણ માટે કાર્યરત છે.

તેમણે જણાવ્યું કે બાળપણથી જ પ્રકૃતિ વચ્ચે ઉછરવાના કારણે વન સંપદાના સંવર્ધન માટે કામ કરવાનો ગર્વ અનુભવાય છે. વર્ષ ૨૦૦૭માં વન વિભાગમાં મહિલાઓની ભરતી શરૂ થયા બાદ તેમણે આ ક્ષેત્ર પસંદ કર્યું.

સંદેશ: “પ્રકૃતિનું સંરક્ષણ કરવું દરેકની જવાબદારી છે.”

સ્ટોરી- ૩

ફિઝિયોથેરાપિસ્ટથી નાયબ કલેકટર સુધીની સફર

“નહિ માફ નીચું નિશાન” સૂત્રને જીવનમાં ઉતાર્યું

-ડો. રશ્મિ રાજાવાઢા, નાયબ જીલ્લા ચૂંટણી અધિકારી.

મોરબી જીલ્લાના નાયબ જીલ્લા ચૂંટણી અધિકારી ડો. રશ્મિ રાજાવાઢાએ પોતાના કારકિર્દીની શરૂઆત ફિઝિયોથેરાપિસ્ટ તરીકે કરી હતી. બાદમાં મહેનત અને દૃઢ નિર્ધારથી તેઓ રાજ્ય વહીવટી સેવામાં પ્રવેશ્યા. તેઓ જણાવે છે કે ચૂંટણી પ્રક્રિયા લોકશાહીનું હૃદય છે અને તેને પારદર્શક અને નિષ્પક્ષ રાખવી ખૂબ જવાબદારીભર્યું કાર્ય છે. એસઆઈઆર જેવી કામગીરીમાં પણ તેમણે ટીમ સાથે સફળ કામગીરી કરી છે.

સંદેશ: “લક્ષ્ય ઊંચું રાખશો તો સફળતા ચોક્કસ મળશે.”

સ્ટોરી- ૪

મહિલાઓના આર્થિક સશક્તિકરણ માટે સતત પ્રયાસ

સ્વસહાય જૂથો દ્વારા મહિલાઓને સ્વરોજગાર તરફ પ્રોત્સાહન.

-જલ્પા ત્રિવેદી, મહિલા અને બાળ અધિકારી.

મોરબી જીલ્લામાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા વિવિધ યોજનાઓ અમલમાં છે. વિભાગના અધિકારી જલ્પા ત્રિવેદી જણાવે છે કે સ્વસહાય જૂથો દ્વારા મહિલાઓને સ્વરોજગાર સાથે જોડવાની કામગીરી સતત કરવામાં આવી રહી છે. આ યોજનાઓના માધ્યમથી ઘણી મહિલાઓ આત્મનિર્ભર બની પરિવારના આર્થિક વિકાસમાં યોગદાન આપી રહી છે.

સંદેશ: “મહિલાઓ આત્મનિર્ભર બનશે તો સમાજ મજબૂત બનશે.”

સ્ટોરી- ૫

ડિગ્રી સાથે કૌશલ્ય જરૂરી

યુવતીઓ માટે રોજગાર અને તાલીમના અવસર.

-મનીષા સાવનિયા, જીલ્લા રોજગાર અધિકારી.

જીલ્લા રોજગાર અધિકારી મનીષા સાવનિયા જણાવે છે કે આજના સમયમાં માત્ર ડિગ્રી પૂરતી નથી, કૌશલ્ય પણ એટલું જ જરૂરી છે. રોજગાર કચેરી દ્વારા યુવક-યુવતીઓને વિવિધ તાલીમ કાર્યક્રમો અને પ્લેસમેન્ટની તક આપવામાં આવે છે.

તેમણે યુવતીઓને સંદેશ આપ્યો કે શિક્ષણ સાથે કૌશલ્ય વિકસાવવાથી તેઓ આત્મનિર્ભર બની શકે છે.

સ્ટોરી- ૬

મહેનતથી કોઈપણ ક્ષેત્રમાં સફળતા શક્ય.

આયુર્વેદિક ચિકિત્સા દ્વારા લોકોની સેવા.

-ડો. ખ્યાતિ ઠકરાર, આયુર્વેદાચાર્ય.

મોરબીની સરકારી હોસ્પિટલમાં સેવા આપતા આયુર્વેદાચાર્ય ડો. ખ્યાતિ ઠકરાર જણાવે છે કે આયુર્વેદ માત્ર સારવાર નથી પરંતુ જીવનશૈલી છે. આયુર્વેદિક પદ્ધતિ દ્વારા ઘણા દર્દીઓને આરોગ્યલાભ મળી રહ્યો છે.

સંદેશ: “કોઈપણ ક્ષેત્રમાં આગળ વધવા માટે સતત મહેનત અને સમર્પણ જરૂરી છે.”

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!