હળવદ પોલીસની દાખલરૂપ કાર્યવાહી: સગીર પાસે લાયસન્સ ન હોવા છતાં બાઈક ચલાવવાની છૂટ આપતા વાલી વિરુદ્ધ મોટર વ્હિકલ એક્ટ હેઠળ ગુનો નોંધાયો.
હળવદ તાલુકાના સુસવાવ ગામ નજીક રોડ ઉપર સગીર દ્વારા પુરઝડપે અને બેદરકારીપૂર્વક બાઈક ચલાવતા થયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજતા હળવદ પોલીસે મોટરસાયકલના માલિક તથા સગીરના કાકા સામે ગુનો નોંધ્યો છે. સગીરને લાયસન્સ ન હોવા છતાં વાહન ચલાવવા દેતા એમ.વી.એક્ટ કલમ ૧૯૯(એ) હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
મળતી વિગતો મુજબ, હળવદ પોલીસ મથક પીએસઆઇ એન.આર. વાણીયાએ ફરિયાદ નોંધાવી છે કે, હળવદ તાલુકાના સુસવાવ ગામેં રહેતા ચુનીલાલ ભુરાભાઈ કોળી ગઈ તા.૨૬/૧૨/૨૦૨૫ ના રોજ મોટરસાયકલ નં. જીજે-૧૩-એન-૮૦૬૫ લઈને પોતાની વાડીએ જઈ રહ્યા હતા. તે દરમિયાન સુસવાવથી કેદારનાથ મહાદેવ તરફ જતા રોડ પર જાંબુડા વાળા વોકળા પાસે સામેથી આવતા મોટરસાયકલ રજી.નં. જીજે-૩૬-એએમ-૩૯૫૫ના ચાલકે પુરઝડપે અને બેદરકારીથી વાહન ચલાવી અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં ચુનીલાલભાઈના માથામાં ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું કે, અકસ્માત સર્જનાર બાઈક ચાલક સગીર વય ધરાવતો હોય અને તેની પાસે ડ્રાઈવિંગ લાયસન્સ નહોતું. છતાં પણ બાઈકના માલિક અને સગીરના કાકા આરોપી સંજયભાઈ રૂપાભાઈ પંચાસરા રહે. શીરોઈ ગામ તા.હળવદ વાળાએ તેને વાહન ચલાવવાની છૂટ આપી હતી. આ અંગે હળવદ પોલીસે આરોપી વિરુદ્ધ એમ.વી.એક્ટ કલમ ૧૯૯(એ) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.









