Thursday, March 12, 2026
HomeGujaratમોરબીમાં પારિવારિક ઝઘડામાં સસરા અને પુત્રવધુએ સામસામી ફરિયાદ નોંધાવી

મોરબીમાં પારિવારિક ઝઘડામાં સસરા અને પુત્રવધુએ સામસામી ફરિયાદ નોંધાવી

રસોઈની તપેલીથી હુમલો કર્યાનો સસરાનો આક્ષેપ, જ્યારે પુત્રવધુએ પતિ, સસરા અને દિયરે માર માર્યાની ફરિયાદ નોંધાવી.

- Advertisement -
- Advertisement -

મોરબીના દલવાડી સર્કલ નજીક રોલા રાતડીયા વાડી વિસ્તારમાં પરિવારિક ઝઘડો ઉગ્ર બનતા સસરા અને પુત્રવધુએ એકબીજા સામે ફરિયાદ નોંધાવી છે. સસરાએ પુત્રવધુએ તપેલીથી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો આક્ષેપ કર્યો છે, જ્યારે પુત્રવધુએ પતિ, સસરા અને દિયરે મળીને લોખંડના હથોડા તથા લાકડાથી હુમલો કરી ઇજા પહોંચાડ્યાનો આરોપ લગાવ્યો છે. હાલ સીટી એ ડિવિઝન પોલીસે બંને તરફથી ફરિયાદ લઈને ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની તપાસ શરૂ કરી છે.

પ્રથમ ફરિયાદ અંગે મળતી માહિતી મુજબ, દેવકરણભાઈ નારણભાઈ ડાભી ઉવ.૬૦ રહે. દલવાડી સર્કલ નજીક રોલા રાતળિયાની વાડી મોરબી વાળાએ મોરબી સિવિલ હોસ્પિટલમાંથી સીટી એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમના મોટા દીકરા દિલીપભાઈ અને તેમની પત્ની મનીષાબેન વચ્ચે છેલ્લા છ વર્ષથી અવારનવાર ઝઘડા થતા રહે છે. ગઈકાલે પણ પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતા પુત્રવધુ મનીષાબેનએ ખાર રાખીને ‘તમે જ તમારા દીકરાને બગાડો છો’ કહી ગાળો બોલી રસોઈ બનાવવાની તપેલી વડે તેમના હાથ અને વાસામાં માર માર્યો હતો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ બનાવમાં સસરાની ફરિયાદના આધારે પોલીસે મહિલા આરોપી મનીષાબેન સામે ભારતીય ન્યાય સંહિતા કલમ ૧૧૫(૨), ૩૫૧(૨), ૩૫૧(૩) અને ૩૫૨ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે સામાં પક્ષે ફરિયાદી મનીષાબેન દિલીપભાઈ ડાભી ઉવ.૩૦એ પણ પોલીસ ફરિયાદમાં પોતાના પતિ દિલીપભાઈ દેવકરણભાઈ ડાભી, દેવકરણભાઈ નારણભાઈ ડાભી અને જગદીશભાઈ દેવકરણભાઈ ડાભી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, છેલ્લા છ વર્ષથી તેમના ચરિત્ર અંગે શક-વહેમ રાખી પરિવારના સભ્યો વારંવાર ઝઘડો કરતા હોય છે, ત્યારે ગઈકાલે તા. ૧૧ માર્ચે બપોરના સમયે તેઓ લાતી પ્લોટમાંથી ઘરના બારણા લઈને ઘરે આવી રહી હતી ત્યારે સસરા દેવકરણભાઈ ગાળો બોલવા લાગ્યા અને પતિને ‘બારણા તોડી નાખ અને પત્નીને ઘર બહાર કાઢી નાખ’ તેમ કહી ઉશ્કેર્યા હતા. ત્યારબાદ તેમના પતિ દિલીપભાઈએ લોખંડના હથોડાથી હુમલો કર્યો જેમાં તેમના ડાબા પગે ઇજા પહોંચી હતી. તેમજ દિયર જગદીશભાઈએ તેમના માથાના વાળ ખેંચી ઘરની બહાર કાઢી મૂક્યા હતા. ઈજાગ્રસ્ત હાલતમાં તેઓ સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા છે.

હાલ સીટી એ ડિવિઝન પોલીસે બંને પક્ષની ફરિયાદને આધારે એક જ પરિવારના મહિલા સહિત ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!