મોરબી મહાનગરપાલિકાની ANCD શાખા દ્વારા શહેરમાં રખડતા પશુઓની સમસ્યા નિવારવા માટે નંદીઘરને ફરી કાર્યરત કરવામાં આવ્યું છે. હાલમાં શહેરમાંથી અંદાજે ૧૫૦ જેટલા ખૂંટ પકડીને નંદીઘરમાં રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત મહાનગરપાલિકાએ પશુ અને પેટ ડોગના રજીસ્ટ્રેશન માટે પણ માલિકોને અપીલ કરી છે.
મોરબી મહાનગરપાલિકાની ANCD શાખા દ્વારા ૨૮ ફેબ્રુઆરીથી નંદીઘરને ફરી કાર્યરત કરવામાં આવ્યું છે. શહેરમાં રખડતા પશુઓને પકડીને નંદીઘરમાં રાખવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. મહાનગરપાલિકાના વિસ્તારમાંથી અત્યાર સુધી અંદાજે ૧૫૦ જેટલા ખૂંટ પકડીને નંદીઘરમાં મૂકવામાં આવ્યા છે અને તેમની સાચવણી તથા જાળવણી કરવામાં આવી રહી છે. શાખાના આંકડા મુજબ માર્ચ ૨૦૨૫ થી ફેબ્રુઆરી ૨૦૨૬ દરમિયાન શહેરમાંથી અંદાજે ૨૬૦૦ જેટલા રખડતા પશુ પકડવામાં આવ્યા છે.
ઉપરાંત આશરે ૨૧૦ જેટલા પશુ માલિકોને લાઈસન્સ અને ૩૧ જેટલા લોકોને ઘાસ વેચાણ માટે પરમિટ આપવામાં આવ્યા છે. આ સાથે ANCD શાખા દ્વારા અત્યાર સુધી ૩૩ પેટ ડોગનું રજીસ્ટ્રેશન પણ કરવામાં આવ્યું છે. મહાનગરપાલિકાએ પશુ માલિકો તેમજ પેટ ડોગ માલિકોને પોતાના પશુઓનું રજીસ્ટ્રેશન કરાવવા અપીલ કરી છે.









