ટંકારાના જબલપુર નજીક રોડ સાઈડમાં ઉભેલી રીક્ષાને પુરપાટ આવતા આઇસર ટ્રકે ઠોકર મારતા ૯ વર્ષીય બાળકનું મોત થયું છે, જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. હાલ અકસ્માતના બનાવ અંગે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આરોપી આઇસર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ટંકારામાં મોરબી-રાજકોટ રોડ પર જબલપુર ગામ પાસે થયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં એક નિર્દોષ બાળકનું મોત થયું છે. જે અકસ્માતની મળતી માહિતી મુજબ આઇસર ટ્રક રજી.નં.જીજે-૦૭-વાયવાય-૫૦૨૫ના ચાલકે બેફામ અને ગફલતભરી રીતે વાહન હંકારી રોડ સાઇડમાં ઉભેલી અતુલ કેરી રીક્ષા રજી.નં. જીજે-૧૨-એવાય-૧૪૭૦ને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં રીક્ષામાં બેઠેલા લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેમાં લીલાબેન માંગડિયા ઉવ. ૫૦ને માથામાં ઈજા અને ખભામાં ફ્રેક્ચર થયું હતું, જયારે જયશ્રીબેનને હાથમાં ફ્રેક્ચર અને હકાભાઈને શરીરે ઈજા પહોંચી હતી. સૌથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત ૯ વર્ષીય હરી નામના બાળકનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે અકસ્માત બાદ પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. બનાવ અંગે ફરિયાદી સંજયભાઈ ગંગારામભાઈ ઉઘરેજા ઉવ.૩૦ રહે. મોરબી પચ્ચીસ વારીયા બ્લોક મેઈન શેરી વાળાએ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઇસર ચાલક સામે ભારતીય ન્યાય સંહિતા તથા મોટર વ્હીકલ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.









