અલગ-અલગ સ્થળે ત્રણ ઘટનાએ ચકચાર મચાવી, પોલીસે તપાસ હાથ ધરી.
મોરબી જીલ્લામાં અલગ-અલગ સ્થળોએ ત્રણ અપમૃત્યુના બનાવ સામે આવ્યા છે. એક યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, જ્યારે એક વ્યક્તિનું હોસ્પિટલમાં અગમ્ય કારણોસર મોત થયું અને ત્રીજા બનાવમાં હળવદમાં કેનાલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો છે. ત્રણેય મામલામાં પોલીસે અ.મોતની નોંધ કરી તપાસ શરૂ કરી છે.
અપમૃત્યુના પ્રથમ બનાવમાં મોરબીના શનાળા રોડ વિસ્તારમાં શુભ હોસ્પિટલ ખાતે ભાવેસકુમાર કેસુભાઇ મકવાણા ઉવ.૨૬ રહે.ગામ વાંગર તા.મહુવા જી. ભાવનગર વાળાનું અગમ્ય કારણોસર હોસ્પિટલમાં રૂમ નંબર ૨૦૨માં તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે મૃતકના ભાઈ પાસેથી પોલીસે પ્રાથમિક વિગતો મેળવી અ.મોત નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
જ્યારે બીજા અપમૃત્યુની મળતી વિગતો અનુસાર, લગધીરપુર રોડ પર શક્તિ ચેમ્બર પાસે રહેતા પ્રિન્સભાઈ સાગરભાઈ નાકીયા ઉવ.૨૦એ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવમાં પોલીસે અ.મોત નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
આ ઉપરાંત અપમૃત્યુના ત્રીજો બનાવ હળવદ તાલુકાના ઇંગોરાળા ગામની સીમમાં બન્યો હતો જ્યાં નર્મદા કેનાલમાં અજાણ્યા પુરુષનો મૃતદેહ તરતો મળી આવ્યો હતો. મૃતકની ઉંમર અંદાજે ૪૫ થી ૫૦ વર્ષ વચ્ચે હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક રીતે પાણીમાં ડૂબી જવાથી મોત થયાનું સામે આવ્યું છે. મૃતદેહને બહાર કાઢી ઓળખ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે હાલ હળવદ પોલીસે અજાણ્યા મૃતકના વાલી વારસની શોધખોળ શરૂ કરી છે.









