મોરબી મહાનગરપાલિકાની ઈલેક્ટ્રિકલ શાખા દ્વારા શહેરમાં નવા સ્ટ્રીટ લાઈટ પોલ અને 15 સ્થળોએ હાઈ માસ્ટ લાઈટ સ્થાપન કામગીરી તેજ ગતિએ ચાલી રહી છે. ટૂંક સમયમાં શહેર વધુ પ્રકાશિત અને આકર્ષક બનશે.
મોરબી મહાનગરપાલિકાની ઈલેક્ટ્રિકલ શાખા દ્વારા શહેરની લાઈટિંગ વ્યવસ્થા સુધારવા માટે સતત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. શહેરના મુખ્ય માર્ગો પર સ્ટ્રીટ લાઈટ સાથે નવા પોલ સ્થાપિત કરવાની કામગીરી હાલ પ્રગતિમાં છે, જેના કારણે રાત્રિ દરમિયાન ટ્રાફિક અને નાગરિકોને વધુ સુવિધા મળશે. આ ઉપરાંત, શહેરના કુલ 15 મહત્વપૂર્ણ સ્થળોએ હાઈ માસ્ટ લાઈટ સ્થાપિત કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેમાં ત્રાજપર ચોકડી, કલેક્ટર ઓફિસ રોડ, અરુણોદય સર્કલ, ખોડીયાર માતાના મંદિર પાસે દરબારગઢ, શિવાજી ચોક (જેલ રોડ) અને સરદાર સ્ટેચ્યુ (એસડીએમ બંગલા પાસે) જેવા મુખ્ય વિસ્તારોનો સમાવેશ થાય છે. આ સ્થળોએ હાલ કામગીરી ચાલુ છે. મહાનગરપાલિકા દ્વારા જણાવાયું છે કે આવનારા સમયમાં શહેરમાં લાઈટિંગ સંબંધિત તમામ સમસ્યાઓનું ઝડપી નિરાકરણ લાવવામાં આવશે.









