વાંકાનેરના દરબારગઢ રોડ નજીક હવેલી શેરી વિસ્તારમાં ધુળેટીના દિવસે બાળકોની સાયકલ લઈ લેવા બાબતે થયેલી બબાલ મામલે મહિલાએ પાંચ મહિલાઓ સહિત છ સામે વાંકાનેર સીટી પોલીસ મથકમાં વળતી ફરિયાદ નોંધાવી છે. બાળકોની સાયકલ બાબતે શરૂ થયેલા વિવાદમાં તમામ આરોપીઓએ ગાળો આપી લાકડી અને ઢીકાપાટુ વડે હુમલો કરી મોબાઇલ તોડી નાખ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ જ ઘટનાને લઈને અગાઉ હાલના ફરિયાદી અને તેમના પતિ વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાઈ હતી, જ્યારે હવે વળતી ફરિયાદને આધારે વાંકાનેર પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં જ્યોતીકાબેન બટુકભાઈ મેઘાણી ઉવ.૫૨ રહે.શ્રીજી કૃપા હવેલી શેરીના નાકે દરબારગઢ રોડ વાંકાનેર વાળા દ્વારા આરોપી (૧)ભાવનાબેન ભાવીનભાઇ કાગડા, (૨)શિતલબેન મીલનભાઇ કાગડા, (૩)નિરાલીબેન કાગડા, (૪)સાવનબેન પ્રદીપભાઇ વાગડીયા, (૫)ખુશ્બુબેન કાનાભાઇ વાળંદ, (૬)પ્રદીપભાઇ વાગડીયા તમામ રહે.હવેલી શેરીના નાકે દરબારગઢ રોડ વાંકાનેર વાળા વિરુદ્ધ નોંધાવવામાં આવેલી ફરિયાદ અનુસાર તા.૦૪ માર્ચના રોજ ધુળેટીના દિવસે હવેલી શેરી વિસ્તારમાં બાળકો રમતા હતા ત્યારે સાયકલ લઈ લેવા બાબતે ફરીયાદી ત્યા શેરીમા નીકળતા તમામ આરોપીઓએ ફરીયાદીને ગાળો બોલી તેમજ આરોપીઓ ફરીયાદીના ઘર પાસે વાર ફારતી જઇ ગાળો બોલી ફરીયાદી તથા સાહેદને ઢીકા પાટુનો તથા લાકડી વતી મુંઢમાર માર્યો હતો. આ બનાવમાં ફરિયાદીનો મોબાઇલ તુટી ગયો હતો. ત્યારે ગુનો કરવામાં એકબીજાની મદદગારી કરતા તમામ આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









