ત્રણ માળની એ.સી. સુવિધાસભર લાઇબ્રેરી, વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ માટે બનશે ઉપયોગી કેન્દ્ર.
મોરબી મહાનગરપાલિકા દ્વારા રવાપર રોડ પર નરસંગ ટેકરી પાસે આધુનિક સુવિધાઓથી સજ્જ નવી લાઇબ્રેરી બનાવવાની યોજના હાથ ધરાઈ છે. જે માટેની ટેન્ડર પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં કામ શરૂ થશે.
મોરબી શહેરમાં વાંચન સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે મહાનગરપાલિકા દ્વારા રવાપર રોડ ખાતે મોડર્ન લાઇબ્રેરી નિર્માણ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. નરસંગ ટેકરી નજીક બનનારી આ લાઇબ્રેરી ત્રણ માળની વિશાળ ઇમારતરૂપે બનાવવામાં આવશે. હાલમાં પ્રોજેક્ટ માટે ટેન્ડર પ્રક્રિયા લાઇવ કરવામાં આવી છે અને પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તાત્કાલિક કામ શરૂ કરાશે. લાઇબ્રેરીમાં ફુલ સેન્ટ્રલ એ.સી., આધુનિક ફર્નિચર, અલગ રીડિંગ એરિયા જેવી સુવિધાઓ ઉપલબ્ધ રહેશે.
વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓને ધ્યાનમાં રાખીને વિવિધ વિષયોના પુસ્તકોનો સમાવેશ કરવામાં આવશે. સાથે જ ભૂકંપ પ્રતિકારક આરસીસી સ્ટ્રક્ચર અને ઓપન ટેરેસ લાઇબ્રેરી જેવી વિશેષ સુવિધાઓ પણ ઉપલબ્ધ રહેશે. આ પ્રોજેક્ટથી શહેરના શૈક્ષણિક વિકાસને ગતિ મળશે અને નાગરિકોમાં વાંચનની સંસ્કૃતિ વધુ મજબૂત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.









