મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાં આવેલ સિદ્ધિ વિનાયક સોસાયટીના ગજાનન એપાર્ટમેન્ટમાં ક્રાઈમ બ્રાંચે મોટી કાર્યવાહી હાથ ધરી હતી. ખાનગી બાતમીના આધારે રેઇડ પાડી રહેણાક મકાનમાં ગેરકાયદેસર રીતે જુગાર રમતા કુલ 5 આરોપીઓને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર, રાજેશભાઈ સરડવા પોતાના મકાનમાં બહારથી લોકોને બોલાવી ગંજીપતાના પાનાં વડે હારજીતનો તીન પત્તીનો જુગાર રમાડતો હતો. જે બાતમી મળતા મોરબી ક્રાઈમ બ્રાંચ તથા પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે દરોડો પાડી સ્થળ પરથી રાજેશભાઇ જીવરાજભાઇ સરડવા, વિવેકભાઇ વિનોદભાઈ ગોસાઇ, ભાવેશભાઇ બાલુભાઇ સીતાપરા,જયેશભાઇ રાઘવજીભાઇ બોપલીયા તથા સાગરભાઇ રમેશભાઇ સરડવાને ઝડપી પાડ્યા હતા. અને પોલીસે સ્થળ પરથી રૂ.2,62,500 ની રોકડ રકમ, ગંજીપતાના પાનાં તેમજ 4 મોબાઇલ ફોન મળી કુલ રૂ.2,87,500 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઝડપાયેલા તમામ આરોપીઓ વિરૂદ્ધ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.









