હડાળા ગામે એક નવવધૂએ પોતાના લગ્નના વ્યસ્ત પ્રસંગ વચ્ચે મતદાન કરીને અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં તેમની ચર્ચા થઈ રહી છે.
હડાળા ગામની નિધિબેન ભાલોડિયા પોતાના લગ્નના દિવસે પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈ, લગ્નવિધિ પૂર્ણ કર્યા બાદ સીધા મતદાન મથકે પહોંચી મતદાન કર્યું હતું. હાથમાં મહેંદી અને લગ્નનો શણગાર હોવા છતાં તેમણે લોકશાહી પ્રત્યેની પોતાની ફરજને પ્રાથમિકતા આપી હતી. મતદાન કર્યા બાદ નિધિબેને જણાવ્યું કે, જીવનના આ મહત્વના દિવસે જેમ તેમના માતા-પિતાએ કન્યાદાન કર્યું છે, તેમ તેમણે એક જાગૃત નાગરિક તરીકે મતદાન કરીને પોતાની ફરજ નિભાવી છે. તેમના આ નિર્ણયને લઈને ગ્રામજનોમાં આનંદ અને ગર્વની લાગણી જોવા મળી હતી, જ્યારે સોશિયલ મીડિયા પર પણ તેમની પ્રશંસા થઈ રહી છે. સામાન્ય રીતે લગ્નના પ્રસંગોમાં લોકો મતદાન ટાળી દેતા હોય છે, ત્યારે નિધિબેન ભાલોડિયાએ બતાવી દીધું કે રાષ્ટ્રપ્રેમ અને નાગરિક ફરજ હંમેશા પ્રથમ હોવી જોઈએ.





