મોરબી મનપા દ્વારા ટાંકાઓ પર સર્જનાત્મક ચિત્રો, પર્યાવરણ અને સ્વચ્છતાના સંદેશો પ્રસારિત કરાયા.
મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલ પાણીના ટાંકાઓને આર્ટિસ્ટિક ચિત્રોથી સજાવી નવી ઓળખ આપવામાં આવી છે. પર્યાવરણ, સ્વચ્છતા અને સાંસ્કૃતિક સંદેશાઓ દર્શાવતા આ ચિત્રો શહેરના સૌંદર્યમાં વધારો કરી નાગરિકોમાં ગર્વની લાગણી જગાવી રહ્યા છે.
મોરબી શહેરના સર્વાંગી વિકાસ અને સૌંદર્યીકરણને પ્રોત્સાહન આપવા માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા પાણીના ટાંકાઓને આકર્ષક ચિત્રો અને સર્જનાત્મક ડિઝાઇનોથી સજાવવામાં આવ્યા છે. આ ચિત્રોમાં પર્યાવરણ જાગૃતિ, સ્વચ્છતા અભિયાન, સાંસ્કૃતિક વારસો અને સામાજિક સંદેશાઓને સ્થાન આપવામાં આવ્યું છે, જે નાગરિકોને પ્રેરિત કરે છે. અગાઉ સામાન્ય દેખાતા ટાંકાઓ હવે શહેરના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે.
મોરબી મહાનગરપાલિકાનો આ પ્રયાસ માત્ર સુવિધાઓની જાળવણી પૂરતો નથી, પરંતુ શહેરને વધુ સુંદર અને જીવંત બનાવવાનો મહત્વપૂર્ણ પ્રયાસ છે. ભવિષ્યમાં પણ આવી નવીન પહેલો દ્વારા શહેરના વિકાસને વધુ વેગ આપવામાં આવશે. તેમ મહાનગરપાલિકાની સાંસ્કૃતિક શાખાની યાદીમાં જણાવ્યું છે.





