મોરબીની ગૌરવશાળી સિદ્ધિ: ધોરણ 12 સાયન્સ પ્રવાહમાં સતત ચોથી વખત રાજ્યમાં પ્રથમ.
મોરબી: ગુજરાત બોર્ડ દ્વારા જાહેર કરાયેલા ધોરણ 12ના પરિણામમાં મોરબી જીલ્લાએ સાયન્સ પ્રવાહમાં સતત ચોથી વખત રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવી ઇતિહાસ રચ્યો છે. આ ગૌરવશાળી તકે મોરબી જીલ્લા શિક્ષણાધિકારીએ વિડીઓના માધ્યમથી વિદ્યાર્થીઓ અને શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં સાયન્સ પ્રવાહનું 84.33 ટકા અને સામાન્ય પ્રવાહનું 92.71 ટકા પરિણામ નોંધાયું છે. જેમાં સાયન્સમાં 93,678 અને સામાન્ય પ્રવાહમાં 4,03,362 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. આ પરિણામમાં મોરબી જીલ્લાએ ફરી એકવાર પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી છે. ખાસ કરીને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં મોરબીએ સતત ચોથી વખત સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન મેળવી નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે.
મોરબી જીલ્લા શિક્ષણાધિકારી કમલેશ મોતાએ આ સિદ્ધિ બદલ આનંદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓની મહેનત, શિક્ષકોના માર્ગદર્શન અને શૈક્ષણિક સંસ્થાઓના સહકારથી આ સફળતા શક્ય બની છે. તેમણે વિદ્યાર્થીઓ, શિક્ષકો, આચાર્યો અને સંચાલકોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે ભવિષ્યમાં પણ વિદ્યાર્થીઓ મોરબીનું નામ વધુ રોશન કરે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરી છે.





