હળવદ તાલુકાના ચરાડવા ગામે લગ્ન પ્રસંગે આવેલા કાકા-કાકી પર ત્રણ ભત્રીજાઓએ જૂના મનદુઃખનો ખાર રાખી લાકડાના ધોકા તથા ઢીકાપાટુ વડે હુમલો કર્યો હતો. જે હુમલામાં કાકાને ગંભીર ઇજા થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સમગ્ર બનાવ અંગે પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
હળવદના ચરાડવા ગામે રહેતા અને હાલ વડોદરામાં સાડીનો ધંધો કરતા રીટાબેન પિન્ટુભાઈ ગજેન્દ્રભાઈ હળવદીયાએ તેમના સગા જેઠના દીકરાઓ આરોપી અમિત મનોજભાઈ હળવદીયા, ધર્મેશ મનોજભાઈ હળવદીયા અને વિરુ મનોજભાઈ હળવદીયા બધા રહે. ચરાડવા રાજલનગર તા.હળવદ વાળા વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ પોતાના પતિ સાથે કુટુંબના લગ્ન પ્રસંગે ગત તા.૨-૩/૦૫ના રોજ ચરાડવા ગામે આવ્યા હતા. લગ્ન પૂર્ણ થયા બાદ રાત્રે ચરાડવા ગામે ઘરે હોય ત્યારે તેમના જેઠના દીકરાઓ અમિત, ધર્મેશ અને વીરૂએ અગાઉની બોલાચાલીનો ખાર રાખી ઘેર આવી ગાળો આપી ઝઘડો કર્યો હતો. ત્યારે ફરિયાદી તથા તેમના પતિ દ્વારા ગાળો આપવાની ના પાડતા આરોપીઓ ઉશ્કેરાઈ ગયા અને લાકડાના ધોકાથી તેમજ ઢીકાપાટુ વડે કાકા પિન્ટુભાઈને આડેધડ માર માર્યો હતો. હુમલામાં પિન્ટુભાઈને માથા, નાક અને મોઢાના ભાગે ગંભીર ઇજા થઈ હતી અને નાકમાં ફ્રેક્ચર થતા તેમને મોરબી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે હુમલામાં ફરિયાદી રીટાબેનને પણ સામાન્ય ઇજા પહોંચી હતી. આરોપીઓએ જતા સમયે ફરી આવશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હાલ હળવદ પોલીસે ત્રણેય આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમો તથા જી.પી.એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.





