માળીયા(મી)ના અંજીયાસર ગામે પડોશમાં રહેતી મોટી બહેનના ઝઘડામાં સમજાવવા ગયેલ નાની બહેનને પતિ, સસરા, કાકાજી સસરા અને જેઠે લાકડાના ધોકા તથા ઢીકા પાટુ વડે માર મારી ઇજા પહોંચાડ્યાનો બનાવ સામે આવ્યો છે. હાલ ઇજાગ્રસ્ત પરિણીતાની ફરિયાદને આધારે માળીયા(મી) પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
માળીયા(મી) તાલુકાના જૂના અંજીયાસર ગામે રહેતા સાઇનાબેન ઉર્ફે સાહીનાબેન ફારૂકભાઈ મોવર ઉવ.૨૪ એ પોતાના પતિ ફ્રુકભાઈ નિજામભાઈ, સસરા નિજામભાઈ હબીબભાઈ, કાકાજી સસરા સાઉદીન હબીબભાઈ અને જેઠ જુસબભાઈ નિજામભાઈ સહિત ચાર શખ્સો સામે મારામારીની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ ગત તા.૦૫/૦૫ની રાત્રે પડોશમાં રહેતી તેમની મોટી બહેન સલમાબેન અને જેઠ હસનભાઈ નિજામભાઈ વચ્ચે બાળકો બાબતે સામાન્ય બોલાચાલી ચાલી રહી હતી ત્યારે ફરિયાદી સાઇનાબેન સમજાવવા ગયા હતા. આ દરમિયાન સાઈનાબેનના પતિ ફારૂકભાઈ મોવરે બોલાચાલી કરી ગાળો આપી ઝપાઝપી કરી વાળ ખેંચી નીચે પાડી ઢીકા-પાટુનો માર માર્યો હતો. ત્યારબાદ સસરા નીજામભાઈ મોવર, કાકા સસરા સાઉદિનભાઈ મોવર અને જેઠ જુસબભાઈ મોવરે પણ ગાળો આપી માર મારતા શરીરે ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત સાઈનાબેનને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે મોરબી સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. બનાવ અંગે પોલીસે ભારતીય ન્યાય સંહિતા તથા ગુજરાત પોલીસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.





