Wednesday, May 13, 2026
HomeGujaratમોરબીના ગાળા ગામે કારખાનામાં કોપર વાયરની ચોરી કરતી ગેંગના ચાર સાગરીત ઝડપાયા

મોરબીના ગાળા ગામે કારખાનામાં કોપર વાયરની ચોરી કરતી ગેંગના ચાર સાગરીત ઝડપાયા

બજરંગ કોટન ઇન્ડસ્ટ્રીઝમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી એલસીબીએ રૂ.૧.૯૪ લાખનો મુદ્દામાલ કબજે કર્યો, ગેંગના અન્ય ચાર આરોપીઓ ફરાર.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકાના ગાળા ગામની સીમમાં આવેલ બજરંગ કોટન ઇન્ડસ્ટ્રીઝ કારખાનામાં થયેલી કોપર વાયર અને ઇલેક્ટ્રિક સામાનની ચોરીના ગુનાનો ભેદ ઉકેલી એલસીબીએ ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ સાથે પોલીસે આરોપીઓ પાસેથી કોપર વાયર, કોપર પ્લેટ, ઓટો રિક્ષા, બાઈક અને મોબાઇલ ફોન સહિત રૂ.૧,૯૪,૮૦૦/-નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ઉપરાંત ચોરીના ગુનામાં સંડોવાયેલા અન્ય ચાર આરોપીઓના નામ ખુલતા હાલ તેઓને ફરાર દર્શાવી પોલીસે આગળની તપાસ ચલાવી છે.

મોરબી તાલુકાના ગાળા ગામની સીમમાં આવેલ બજરંગ કોટન ઇન્ડસ્ટ્રીઝ કારખાનામાં તા. ૦૩/૦૩/૨૦૨૬ની રાત્રિના સમયે અજાણ્યા ચોર ઇસમોએ બંધ કારખાનામાં પ્રવેશ કરી સી.સી.ટી.વી. એનવીઆર, ટીવી, કેમેરા, કોપર પ્લેટ તેમજ કોપર વાયર મળી કુલ અંદાજે રૂ.૨,૦૫,૦૦૦/-ના મુદ્દામાલની ચોરી કરી હતી. આ અંગે મોરબી તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ એલસીબી મોરબી દ્વારા ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સીસના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન ચોક્કસ બાતમીના આધારે રવિરાજ ચોકડી ઓવરબ્રિજ પાસે સર્વિસ રોડ પરથી લીલા રંગની સીએનજી ઓટો રિક્ષા અને સ્પ્લેન્ડર બાઈક સાથે બેઠેલા ચાર શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા.

પોલીસે તપાસ કરતા આરોપીઓ રમેશભાઈ ઉર્ફે પોયો મનુભાઈ વાધેલા રહે. શક્તિપરા તા.વાંકાનેર, હમીરભાઈ બહાદુરભાઈ વાધેલા રહે.ગઢડા (સ્વામીના) જી. બોટાદ, અજયભાઈ ઉર્ફે અજીત સુરાભાઈ વાધેલા રહે.ગઢડા (સ્વામીના) જી. બોટાદ તથા રણજીતભાઈ ઉર્ફે કદમ ઉર્ફે રંજલો ધનજીભાઈ માથાસુરીયા હાલ રહે. શક્તિપરા તા. વાંકાનેર મૂળ ગામ દેવસર તા.ચોટીલા વાળા પાસેથી ચોરીમાં ગયેલ કોપર વાયર, કોપર પ્લેટ તેમજ ચોરીમાં ઉપયોગમાં લેવાયેલા વાહનો મળી આવ્યા હતા. પકડાયેલ ઉપરોક્ત આરોપીઓની પૂછપરછ દરમિયાન આરોપીઓએ અન્ય સાગરીતો સાથે મળી કારખાનામાં ચોરી કર્યાની કબૂલાત આપી હતી. પોલીસે આરોપીઓ પાસેથી રૂ.૮૦ હજારની સીએનજી ઓટો રિક્ષા, રૂ. ૨૦ હજારનું બાઈક, કોપર વાયર અને કોપર પ્લેટ સહિત કુલ રૂ.૧,૯૪,૮૦૦/-નો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે આરોપી હમીરભાઈ ધનજીભાઈ માથાસુરીયા, ધનજીભાઈ વેરશીભાઈ માથાસુરીયા બન્ને રહે. દેવસર તા.ચોટીલા તથા આરોપી હેમંતભાઈ સેરાભાઈ વાધેલા રહે. ગામ ધામેલ તા.દામનગર જી.અમરેલી અને આરોપી સુરેશભાઈ બચુભાઈ સાડમીંયા રહે.સરધાર તા.જી.રાજકોટ વાળા અન્ય ચાર આરોપીઓના નામ ખુલવા પામ્યા હતા, હાલ તેઓને ફરાર દર્શાવી તેની શોધખોળ શરૂ કરી છે.

આરોપીઓની મોડસ ઓપરેન્ડી મુજબ, ઉપરોક્ત ગેંગના આરોપીઓ દિવસ દરમિયાન ભંગાર લે-વેચના બહાને બંધ કારખાનાઓની રેકી કરતા અને રાત્રિના સમયે સિક્યુરિટી વગરના કારખાનાઓને નિશાન બનાવી વાયર કાપવાના સાધનો સાથે ચોરીને અંજામ આપતા હતા. બાદમાં ચોરાયેલ માલ ભંગારના વેપારીઓને વેચી આર્થિક લાભ મેળવતા હતા. આ સાથે મોરબી પોલીસે કારખાનેદારોને અપીલ કરી છે કે કારખાનાઓ બંધ કરતી વખતે યોગ્ય સિક્યુરિટી વ્યવસ્થા અને સીસીટીવી કેમેરા ફરજિયાત રાખવામાં આવે જેથી મિલ્કત સંબંધિત ગુનાઓ અટકાવી શકાય.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!