Wednesday, May 13, 2026
HomeGujaratમોરબી: રંગપર જેટકોમાં વારંવાર કેબલ બ્લાસ્ટથી સિરામિક ઉદ્યોગ પર સંકટ

મોરબી: રંગપર જેટકોમાં વારંવાર કેબલ બ્લાસ્ટથી સિરામિક ઉદ્યોગ પર સંકટ

પીજીવીસીએલની કામગીરી સામે સિરામિક એસોસિએશનનો આક્ષેપ, જનરેટર પર ફેક્ટરીઓ ચલાવતા ઉદ્યોગકારોને લાખોનું નુકસાન.

- Advertisement -
- Advertisement -

મોરબીમાં છેલ્લા બે દિવસ દરમિયાન રંગપર ૨૨૦ કેવી અને ૬૬ કેવી લાઈનમાં બે વખત કેબલ બ્લાસ્ટ થતાં સિરામિક ઉદ્યોગોને ભારે ફટકો પડ્યો છે. લાંબા સમય સુધી વીજ પુરવઠો ખોરવાતા અનેક ફેક્ટરીઓ જનરેટરના સહારે ચલાવવી પડી રહી છે, જ્યારે કેટલાક એકમો બંધ કરવાની નોબત આવી છે. મોરબી સિરામિક એસોસિએશન પ્રમુખ મનોજ પટેલે પીજીવીસીએલની બેદરકારી સામે ગંભીર આક્ષેપો કરી તાત્કાલિક કાયમી ઉકેલ લાવવાની માંગ ઉઠાવી છે.

મોરબીના પીપળી રોડ અને મહેન્દ્રનગર રોડ વિસ્તારમાં વારંવાર સર્જાતા વીજ ફોલ્ટ અને વીજકાપના કારણે સિરામિક ઉદ્યોગકારો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. મોરબી સિરામિક એસોસિએશન પ્રમુખ મનોજ પટેલે વિડિઓ મારફતે આક્ષેપ કર્યો હતો કે રંગપર જેટકોની ૨૨૦ કેવી અને ૬૬ કેવી લાઇનમાં બ્લાસ્ટ થતા ૧૨ કલાકથી વધુ સમય સુધી વીજ પુરવઠો ખોરવાયો હતો. વીજ પુરવઠો બંધ થતાં ઉદ્યોગકારોને ડીઝલ જનરેટરના સહારે ફેક્ટરીઓ ચલાવવાની ફરજ પડી હતી. ત્યારબાદ ફોલ્ટ રીપેર થયા પછી મંગળવારે સવારે ફરીથી કેબલ બ્લાસ્ટ થતા અનેક ઉદ્યોગો સંપૂર્ણપણે બંધ કરવાની સ્થિતિ સર્જાઈ હતી. હાલમાં માંડલ રોડ અને જેતપર રોડ વિસ્તારના અનેક સિરામિક એકમો બંધ હોવાનું જાણવા મળ્યું છે.

મનોજ પટેલે જણાવ્યું હતું કે મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીઝ પીજીવીસીએલ માટે “કમાઉ દીકરા” સમાન છે અને પીજીવીસીએલની કુલ આવકમાં ૩૦ ટકાથી વધુ હિસ્સો સિરામિક ઉદ્યોગોનો છે. તેમ છતાં રોજિંદા ધોરણે દિવસમાં ૨ થી ૪ વખત વીજ પુરવઠો ખોરવાઈ જતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ઉદ્યોગકારો દ્વારા સ્થાનિક કક્ષાએથી લઇ રાજકોટ એમડી અને ગાંધીનગર મંત્રી કક્ષા સુધી અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર ઉકેલ લાવવામાં આવ્યો નથી.

સિરામિક ઉદ્યોગ સતત પ્રોડક્શન આધારિત હોવાથી માત્ર એક મિનિટનો પાવર કાપ પણ હજારો થી લાખો રૂપિયાનું નુકસાન પહોંચાડે છે. ઘણી વખત ૧ થી ૫ કલાક સુધી વીજળી ગુલ રહેતી હોવાથી ઉત્પાદન પ્રક્રિયા ખોરવાઈ જાય છે. આ સાથે સિરામિક એસોસિએશને માંગ કરી છે કે પીજીવીસીએલ ચોમાસા પૂર્વે પ્રી-મોનસૂન કામગીરી સમયસર અને અસરકારક રીતે હાથ ધરે તેમજ નાના ફોલ્ટના કારણે આખા ફીડર બંધ કરવાની સ્થિતિ ટાળવા કાયમી વ્યવસ્થા ઉભી કરે, તેમ જણાવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!