દ્વારકાધીશ વાંક વિસ્તારના 70 પરિવારોને પાણી ન મળે ત્યાં સુધી જયેશ ભટાસણા નહાવા-ધોવાનો ત્યાગ કરશે; 19 તારીખથી આકરા વ્રતનો પ્રારંભ
“જળ એ જ જીવન છે” એ માત્ર સૂત્ર નથી, પણ જ્યારે કોઈ પરિવાર ટીપે-ટીપે પાણી માટે વલખાં મારતો હોય ત્યારે એ પીડા શું હોય છે તે સમજવા માટે એક લોકપ્રતિનિધિએ સંવેદનાની પરાકાષ્ઠા વટાવી છે. નગરપાલિકાના વોર્ડ નંબર 1 ના નવનિયુક્ત કોર્પોરેટર જયેશ ભટાસણાએ એક અભૂતપૂર્વ નિર્ણય જાહેર કર્યો છે કે જ્યાં સુધી તેમના વિસ્તારના વંચિત પરિવારોને પાણીની સુવિધા નહીં મળે, ત્યાં સુધી તેઓ પોતે પણ પાણીનો મર્યાદિત ઉપયોગ કરશે.
પીડા પારકી નહીં, પોતાની સમજીને લીધો નિર્ણય
આગામી 19 તારીખે શપથ ગ્રહણ કરવાની સાથે જ જયેશભાઈએ પ્રણ લીધું છે કે તેઓ દેવીપૂજક વિસ્તારમાં રહેતા અંદાજે 70 જેટલા પરિવારોની પાણીની પ્રાથમિક જરૂરિયાત સંતોષાય નહીં ત્યાં સુધી પીવાના પાણી સિવાય નાહવા-ધોવા માટેના પાણીનો સંપૂર્ણ ત્યાગ કરશે. તેમણે જણાવ્યું હતું કે, “દુઃખ પારકું હોય તો પીડા ન થાય, પણ આ મારો પરિવાર છે. જો તેઓ પાણી વગર ટળવળતા હોય, તો એક પ્રતિનિધિ તરીકે મારે પણ આ ભોગ આપવો જ જોઈએ.”
પાણીચોરોને કડક ચેતવણી
પોતાના સંકલ્પની સાથે જયેશ ભટાસણાએ પાણી ચોરી કરતા તત્વોને પણ આડે હાથ લીધા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે કે:”19 તારીખ પછી કોઈની પાણીચોરી ચલાવી લેવામાં આવશે નહીં. જે લોકો ગેરકાયદેસર ભૂંગળા નાખીને બીજાનો હક છીનવે છે, તેઓ પોતાની મેળે જ તે સંકેલી લે, અન્યથા કડક કાર્યવાહી કરવામાં આવશે.”
ગાંધીચીંધ્યા માર્ગે સેવાનો સંકલ્પ
જૈન સાધુ-સાધ્વીજીઓ અને ગુરુભગવંતોના આશીર્વાદ મેળવીને તેઓ આ લોકસેવાના કાર્યમાં ઝંપલાવી રહ્યા છે. પૂજ્ય મહાત્મા ગાંધીજીના પ્રિય ભજન ‘વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે’ ને સાર્થક કરતા હોય તેમ, તેમણે સ્પષ્ટ કર્યું છે કે આ કોઈ ‘દંભ’ કે ‘દેખાડો’ નથી, પણ પ્રજા પ્રત્યેની ‘દરકાર’નું દર્પણ છે.
આ અનોખા સંકલ્પને કારણે સમગ્ર પંથકમાં તેમની આકરી મક્કમતા અને સેવાની ભાવનાની ચર્ચાઓ વહેતી થઈ છે. હવે જોવાનું એ રહે છે કે તંત્ર આ સંવેદનશીલ લોકપ્રતિનિધિના પ્રણ પછી કેટલા સમયમાં છેવાડાના માનવી સુધી પાણી પહોંચાડે છે.






