રાજાધણી હોટલ નજીક પોલીસે દરોડો પાડી રોકડા રૂપિયા અને મોબાઇલ સહિત મુદ્દામાલ કબ્જે કર્યો.
મોરબી-હળવદ રોડ ઉપર રાજાધણી હોટલ નજીક ટી-૨૦ મેચ ઉપર ઓનલાઇન જુગાર રમતા એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી રોકડા રૂપિયા, મોબાઇલ ફોન સહિત કુલ રૂ.૧૫,૨૧૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો, જ્યારે ઓનલાઇન આઈડી હેન્ડલર સ્થળ ઉપર હાજર નહિ મળી આવતા તેને ફરાર દર્શાવી પોલીસે બંને આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મોરબી-હળવદ રોડ ઉપર રાજાધણી હોટલ નજીક ક્રિકેટ મેચ ઉપર ઓનલાઇન સટ્ટો રમતા આરોપી અશોકભાઈ હીરાભાઈ જોશી ઉવ.૨૯ રહે. સરતનપર રોડ કમાન્ડર કારખાનાની ઓરડી મોરબી વાળાની અટક કરી હતી, આરોપી પોતાના મોબાઇલ ફોનમાં “ALL” નામની એપ્લિકેશન મારફતે લખનઉ સુપર જાયન્ટ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાતી લાઇવ મેચ ઉપર રનફેર મુજબ પૈસાની હારજીતનો ઓનલાઇન જુગાર રમતો હોવાનું સામે આવ્યું હતું. આરોપી NNS 1425 નામની આઈડી હેન્ડલર સાથે જુગાર રમતો હતો. જેથી પોલીસે આરોપી પાસેથી રોકડા રૂ.૧૦,૨૧૦/- તેમજ મોબાઇલ ફોન કિ.રૂ.૫,૦૦૦/- એમ કુલ રૂ.૧૫,૨૧૦/-નો મુદ્દામાલ કબ્જે કરી આઇડી હેન્ડલર સહિત બંને આરોપીઓ વુરૂઢ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.






