બેદરકારીપૂર્વક છકડો હંકારી અકસ્માત સર્જી ચાલક ફરાર.
માળીયા(મી) તાલુકાના ઘાટીલા ગામ નજીક બાઇક અને છકડા રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક સવાર દંપતી ઇજાગ્રસ્ત બન્યું હતું. અકસ્માતમાં પતિને હાથ અને પગમાં ફ્રેક્ચર જેવી ઇજાઓ પહોંચતા રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. બનાવ અંગે છકડા ચાલક સામે ગુનો નોંધાયો છે.
હળવદ તાલુકાના સુરવદર ગામે રહેતા સંગીતાબેન મહેશભાઈ ગડેશીયાએ માળીયા(મી) પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદ મુજબ, ગત તા. ૦૨ મે ૨૦૨૬ના રોજ તેઓ પોતાના પતિ મહેશભાઈ સાથે હિરો સ્પ્લેન્ડર મોટરસાયકલ નં. જીજે-૩૬-એન-૨૬૭૯ લઈને ઘાટીલા ગામે સગાઈ પ્રસંગે ગયા હતા. બાદમાં સાંજના સમયે પરત ઘાટીલા જવા નીકળ્યા હતા. ત્યારે ધુળકોટથી ઘાટીલા ગામ વચ્ચે મામાદેવ મંદિર નજીક સામેથી પૂરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલા છકડા રીક્ષાએ તેમના બાઇકને ટક્કર મારી હતી. છકડો રજનીભાઈ બાબુભાઈ ધોરકળીયા ચલાવી રહ્યા હોવાનું સામે આવ્યું હતું. અકસ્માત બાદ આરોપી છકડો લઈને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં ફરિયાદી સંગીતાબેનને સામાન્ય ઇજા, જ્યારે તેમના પતિ મહેશભાઈને હાથ અને પગમાં ફ્રેક્ચર જેવી ઇજા પહોંચી હતી. હાલ માળીયા(મી) પોલીસે અકસ્માત સર્જી નાસી ગયેલ છકડા રીક્ષાના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






