યુવકના પ્રેમલગ્નનો ખાર રાખી ત્રણ શખ્સોએ આતંક મચાવ્યો, આરોપીઓ સામે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો.
માળીયા(મી) તાલુકાના ખાખરેચી ગામે પ્રેમલગ્નની અદાવતમાં યુવકના ઘરમાં ઘૂસી આગચંપી અને તોડફોડ કરવાના બનાવે ભારે ચકચાર મચાવી છે. આરોપીઓએ કુહાડી અને ત્રિકમ વડે ઘરમાં નુકસાન પહોંચાડી આશરે રૂ.૧ લાખની મિલકતમાં તોડફોડ કરી નાશ કર્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. હાલ આ મામલે ત્રણેય શખ્સો સામે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો છે.
માળીયા (મી) પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ખાખરેચી ગામે નરેશભાઈ પ્રભુભાઈ ઉચાણા ઉવ.૪૨ હાલ રહે. શીરાઈ ગામની સીમ તા. હળવદ દ્વારા આરોપી (૧)ઓસમાન અલારખા મોકરસી, (૨)અમીના વા/ઓ ઓસમાન મોકરસી તથા (૩)માહેનૂર ડો/ઓ ઓસમાન મોકરસી ત્રણેય રહે. ખાખરેચી તા-માળીયા(મી) વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે કે, ફરીયાદીના ભાઈના દીકરાએ આરોપીઓની દીકરી સાથે પ્રેમલગ્ન કર્યા હતા, જેના કારણે બંને પરિવારો વચ્ચે અદાવત ચાલી રહી હતી. આ મનદુઃખનો ખાર રાખી આરોપીઓએ ફરીયાદીના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનાહિત કાવતરું રચ્યું હતું અને ગત તા. ૧૪ મે ૨૦૨૬ના રોજ આરોપી ઓસમાન અલારખા મોકરસી, તેની પત્ની અમીના તથા દીકરી માહેનૂર એમ ત્રણેય ખાખરેચી ગામે ફરીયાદીના મોટા ભાઈ નવઘણભાઈના ઘરમાં ઘૂસી ગયા હતા. ત્યાં તેમણે ઘરમાં આગ લગાવી તેમજ કુહાડી અને ત્રિકમ જેવા હથિયારો વડે ઘરની ચીજવસ્તુઓમાં તોડફોડ કરી હતી.
આ બનાવમાં ફરિયાદીના મોટાભાઈને ઘરમાં આશરે રૂ.૧,૦૦,૦૦૦/-નું નુકસાન થયું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. હાલ સમગ્ર બનાવની ફરિયાદને આધારે માળીયા(મી) પોલીસે કાયદો હાથમાં લેતા બે મહિલા સહિત ત્રણેય આરોપીઓ વિરુદ્ધ બીએનએસની કલમ ૩૨૬(જી), ૩૩૩, ૩૨૪(૪), ૩૫૧(૩), ૬૧(૨), ૫૪ તથા જી.પી. એક્ટ કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.






