રૂ.૨૦ હજારનો ઇનામી ફરાર આરોપી ફારુક જામને મચ્છુ માતાજીના મંદિર નજીક ખેતરમાંથી ફિલ્મી ઢબે ઝડપી પડાયો.
મોરબી જીલ્લાના માળીયા(મી)માં વર્ષ ૨૦૨૪માં બનેલા ચકચારી હત્યા કેસમાં છેલ્લા દોઢ વર્ષથી ફરાર રહેલો મુખ્ય આરોપી ફારુક હબીબભાઈ જામને મોરબી ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યો છે. રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય દ્વારા આરોપી પર રૂ.૨૦ હજારનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારે મોરબી એલસીબી, પેરોલ ફર્લો સ્ક્વોડ અને એસઓજીની સંયુક્ત ટીમે બાતમીના આધારે દરોડો પાડી આરોપીને પકડી માળીયા(મી) પોલીસને સોંપ્યો છે.
માળીયા મિયાણામાં વર્ષ ૨૦૨૪ દરમિયાન બનેલા ચકચારી હત્યા કેસમાં મોરબી પોલીસને મોટી સફળતા મળી છે. લાંબા સમયથી પોલીસને ચકમો આપતો અને રાજકોટ રેન્જમાં વોન્ટેડ જાહેર કરાયેલ મુખ્ય આરોપી ફારુક હબીબભાઈ જામ ઉવ.૩૫ રહે.એસબીઆઈ બેંક પાસે માળીયા(મી) વાળો આખરે મોરબી ક્રાઈમ બ્રાંચના હાથે ઝડપાઈ ગયો છે. મળતી માહિતી મુજબ ગત તા.૨૫ ઓક્ટોબર ૨૦૨૪ના રોજ માળીયા(મી)ના વાગડીયા ઝાંપા વિસ્તારમાં જૂની એસબીઆઈ બેંક પાસે બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ સર્જાઈ હતી. નાની બાબતમાં થયેલા જૂના ઝઘડાનો રોષ રાખી આરોપીઓ બે વાહનોમાં હથિયારો સાથે આવી ધસી આવ્યા હતા અને જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલા દરમિયાન હૈદરભાઈ અલીમહમદ ઉર્ફે ઇલિયાસભાઈ જેડાને બંદૂકમાંથી ગોળી મારી દેવામાં આવી હતી, જેમાં તેમનું મોત નીપજ્યું હતું.
આ બનાવ અંગે ખમીસાભાઈ ઓસમાણભાઈ જેડા દ્વારા માળીયા(મી) પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે કુલ ૧૦ આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા કલમ ૧૦૩ સહિતની ગંભીર કલમો અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. તપાસ દરમિયાન પોલીસે ૯ આરોપીઓને ઝડપી લઈ તેમની સામે ચાર્જશીટ પણ રજૂ કરી હતી, પરંતુ મુખ્ય આરોપી ફારુક જામ છેલ્લા દોઢ વર્ષથી ફરાર હતો. રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય દ્વારા ગંભીર ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં ફારુક જામને પકડવા માટે રૂ.૨૦ હજારનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. દરમિયાન એલસીબી મોરબીના ઇન્ચાર્જ પીઆઈ આર.સી. ગોહિલને ખાનગી બાતમી મળી હતી કે આરોપી માળીયા(મી)ના મચ્છુ માતાજીના મંદિર અને ગઢીયા તળાવ પાસે આવેલા પોતાના ખેતરમાં છુપાયેલો છે.
બાતમીના આધારે મોરબી એલસીબી, પેરોલ ફર્લો સ્ક્વોડ અને એસઓજીની અલગ અલગ ટીમોએ સંયુક્ત દરોડો પાડી ફિલ્મી ઢબે આરોપીને ઝડપી લીધો હતો. ત્યારબાદ આરોપીને જરૂરી પૂછપરછ બાદ માળીયા(મી) પોલીસને સોંપવામાં આવ્યો છે. પકડાયેલ આરોપી ફારુક જામ સામે અગાઉ પણ હત્યાના પ્રયાસ, મારામારી, પ્રોહિબિશન અને અન્ય ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે. માળીયા(મી) તથા સુરેન્દ્રનગર જીલ્લામાં તેના વિરુદ્ધ આઈપીસી ૩૦૭ સહિતના અનેક ગુનાઓ નોંધાયેલા છે.
આ સફળ કામગીરી મોરબી એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ આર.સી. ગોહિલ, પીએસઆઈ વી.જી. માલાણી તેમજ મોરબી એલસીબી, પેરોલ ફર્લો સ્ક્વોડ અને એસઓજી મોરબીની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી.






