આરોપી કાકા-ભત્રીજા સામે ફરિયાદ નોંધાઈ, મહિલાને માથામાં ઈજા.
હળવદ તાલુકાના કડીયાણા ગામે ખેતરમાં પાણી પાવાના વારાને લઈને થયેલા વિવાદમાં કાકા-ભત્રીજાએ કુટુંબી ભાઈ અને ભાભી પર હુમલો કર્યો હતો. લાકડાના ધોકા અને નીંદામણના છોરીયા વડે માર મારી ઇજા પહોંચાડતાં મહિલાના માથામાં ટાંકા લેવા પડ્યા હતા. બનાવ મામલે હળવદ પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
હળવદ તાલુકાના કડીયાણા ગામે રહેતા મનસુખભાઈ તેજાભાઈ વડદોલીયા પોતાના ખેતરમાં પાણી પાઈ રહ્યા હતા ત્યારે સહિયારી પાણીની લાઇનના વારાને લઈને તેમના ભાઈજીના દીકરા આરોપી પ્રવિણભાઈ પ્રેમજીભાઈ વડદોલીયા સાથે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન આરોપીએ લાકડાના ધોકાથી મનસુખભાઈના પગમાં માર મારી ઈજા પહોંચાડી હતી. બાદમાં ફરી આરોપી પ્રવિણભાઈ તથા તેમનો ભત્રીજો આરોપી પ્રભાતભાઈ વાલજીભાઈ વડદોલીયા ફરી સ્થળે આવી ઝઘડો કરી ગાળો બોલી મારામારી શરૂ કરી હતી. ત્યારે વચ્ચે પડેલા ફરિયાદી મનસુખભાઈના ભાભી અમૃતાબેનને આ આરોપી પ્રભાતભાઈએ નીંદામણના છોરીયા વડે માથામાં ઘા મારતા ગંભીર ઈજા પહોંચી હતી. જેથી બન્ને ઈજાગ્રસ્તોને સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં મહિલાના માથામાં ટાંકા લેવામાં આવ્યા હતા. હાલ સમગ્ર બનાવ અંગે મનસુખભાઈ વડદોલીયાની ફરિયાદના આધારે હળવદ પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો તેમજ જી.પી. એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.






