મોરબીની નવયુગ ગ્રુપ ઓફ કોલેજમાં બીબીએમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની જાનવી ચેતનભાઈ સીતાપરાએ દેહરાદૂન ખાતે યોજાયેલી ૧૩મી નેશનલ આઈસ સ્ટોક ચેમ્પિયનશિપ-૨૦૨૬માં ફર્સ્ટ રેન્ક મેળવી ગોલ્ડ મેડલ જીત્યો છે. જાનવીની આ સિદ્ધિથી કોલેજ તેમજ મોરબી શહેરમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે.
દેહરાદૂન (ઉત્તરાખંડ) ખાતે યોજાયેલી ૧૩મી નેશનલ આઈસ સ્ટોક ચેમ્પિયનશિપ-૨૦૨૬માં મોરબીની નવયુગ ગ્રુપ ઓફ કોલેજની બીબીએ વિભાગની વિદ્યાર્થીની જાનવી ચેતનભાઈ સીતાપરાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. જાનવીએ પોતાની મહેનત, આત્મવિશ્વાસ અને દૃઢ સંકલ્પના બળ પર રાષ્ટ્રીય સ્તરે આગવી ઓળખ ઉભી કરી છે. તેમની આ સિદ્ધિ અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બની છે. નવયુગ ગ્રુપ ઓફ કોલેજ દ્વારા વિદ્યાર્થીઓના શૈક્ષણિક તેમજ સર્વાંગી વિકાસ માટે સતત માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવામાં આવે છે, જેના પરિણામે વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય સ્તરે સફળતા મેળવી રહ્યા છે.
આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલ નિલેશભાઈ મીરાણી, સંસ્થા પ્રમુખ પી.ડી. કાંજીયા તેમજ મેનેજિંગ ટ્રસ્ટી બળદેવભાઈ સરસાવડીયાએ જાનવીને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.






