અંજાર ટાઉન વિસ્તારમાં સતાપર ફાટક નજીકથી અંજાર પોલીસે ખેતીવાડીના બોરના કેબલના શંકાસ્પદ મુદ્દામાલ સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી બાળેલો કોપર વાયર અને પ્લસર બાઈક મળી કુલ રૂ.44,100નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, અંજાર પોલીસની ટીમ અંજાર ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન તેઓને સતાપર ફાટક પાસે ખાનગી બાતમી મળી હતી કે, રફીક ઉર્ફે ચકરી અલીશા શેખ, મામદ હુશેન ફકીર મામદ સૈયદ અને નાજીરશા વલીશા શેખ માધવવીલા સોસાયટી સામે આવેલી બાવળની ઝાડીઓમાં ચોરીનો કેબલ વાયર પ્લાસ્ટિકના કોથળામાં ભરી સગેવગે કરી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડી ત્રણેય શખ્સોને ઝડપી પાડ્યા હતા. તપાસ દરમિયાન તેમની પાસેથી પ્લાસ્ટિકના કોથળામાં ભરેલો 14 કિલો બાળેલો કોપર વાયર મળી આવ્યો હતો. પોલીસે વાયર અંગે પૂછપરછ કરતા તેઓ સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા અને ગલ્લાતલ્લા કરવા લાગ્યા હતા. જેથી વાયર ચોરી કે છરકપટથી મેળવેલો હોવાનું જણાતા પોલીસે બાળેલા કોપર વાયર સાથે પ્લસર બાઈક કબ્જે કરી કુલ રૂ.44,100નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઝડપી પાડવામાં આવેલા આરોપીઓમાં મામદ હુશેન ફકીર મામદ સૈયદ, રફીક ઉર્ફે ચકરી અલીશા શેખ અને નાજીરશા વલીશા શેખનો સમાવેશ થાય છે. ત્રણેય હેમલાઈ ફળિયા, અંજારના રહેવાસી છે. હાલ પોલીસે ત્રણેયની અટકાયત કરી વધુ પૂછપરછ અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.






