અંજાર બસ સ્ટેશનમાંથી મોપેડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી અંજાર પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી ચોરાયેલી મોપેડ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, અંજાર પોલીસની નાઈટ પેટ્રોલિંગ દરમિયાન કળશ સર્કલથી સતાપર જવાના રસ્તા પર ખાનગી બાતમી મળી હતી કે, એક શખ્સ ચોરી કરેલી મોપેડ લઈને જી.આઈ.ડી.સી. તરફ આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી શંકાસ્પદ મોપેડ ચાલકને અટકાવ્યો હતો. મોપેડ અંગે પૂછપરછ કરતા તેમજ માલિકીના આધાર પુરાવા માંગતા આરોપી કોઈ સંતોષકારક જવાબ આપી શક્યો નહોતો. વધુ ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા તેણે અંજાર બસ સ્ટેશનમાંથી મોપેડ ચોરી કર્યાની કબૂલાત આપી હતી. પોલીસે આરોપી ગંભીરસિંહ કેશુભા ભાટી (હાલ રહે મંગલેશ્વર સોસાયટી, મેઘપર બોરીચી અને મૂળ ડાભુંડા, તાલુકા રાપર)ને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી જીજે-12-ડીએફ-8124 નંબરની આશરે રૂ.30 હજાર કિંમતની મોપેડ કબ્જે કરવામાં આવી છે. આ મામલે અંજાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલી પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી છે.






