Wednesday, May 27, 2026
HomeGujaratગુજરાત ATSનું મેગા ઓપરેશન : બ્રાઝિલથી ગુજરાત દરિયાઈ માર્ગે દિલ્હી પહોંચાડવાનો 119...

ગુજરાત ATSનું મેગા ઓપરેશન : બ્રાઝિલથી ગુજરાત દરિયાઈ માર્ગે દિલ્હી પહોંચાડવાનો 119 કિલો કોકેઈનનો જથ્થો ઝડપાયો

ગુજરાત ATS અને ભારતીય કોસ્ટ ગાર્ડે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને બ્રાઝિલથી ગુજરાતના દરિયાઈ માર્ગે દિલ્હી પહોંચાડવાના આંતરરાષ્ટ્રીય કોકેઇન સપ્લાયના મોટા કાવતરાનો પર્દાફાશ કર્યો છે. ગુજરાત ATSને મળેલી ચોક્કસ બાતમીના આધારે મુન્દ્રા નજીક સમુદ્રમાં ‘યુરોપ’ નામના કાર્ગો જહાજમાંથી કોકેઇનનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં આશરે 118.977 કિલોગ્રામ કોકેઇન, ચાર એપલ એરટેગ અને અન્ય ઇલેક્ટ્રોનિક સાધનો કબ્જે કરવામાં આવ્યા છે. એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે એક આરોપી દરિયામાં કૂદી ફરાર થઈ ગયો છે. દિલ્હીમાં જથ્થો મંગાવનાર બે વિદેશી નાગરિકોને પણ ઝડપી લેવામાં આવ્યા છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ગુજરાત ATSના પોલીસ ઇન્સ્પેક્ટરજે.એમ. પટેલને બાતમી મળી હતી કે, ‘યુરોપ’ નામના કાર્ગો જહાજમાં સવાર ક્રૂ મેમ્બર ન્ગિંગિતે નાસોરો જુમાને અને જુમા નાસિર ઓમરે તેમના અન્ય સાગરિતો સાથે મળીને બ્રાઝિલથી આશરે 150 કિલોગ્રામ કોકેઇન છ બેગમાં છુપાવી રાખ્યું છે. આ જથ્થો 26 મે 2026ની વહેલી સવારે મુન્દ્રા નજીક દરિયાના આઉટર એન્કરેજ વિસ્તારમાં એક ફિશિંગ બોટને સોંપવાનો હતો, જ્યાંથી તે આગળ દિલ્હીમાં રહેતા કેલ્વિન ચુકવુમા અને બ્યારુહાંગા જેમ્સ સુધી પહોંચાડવાનો પ્લાન હતો. આ બાતમી મળતા જ ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ATSના એસપી કે. સિદ્ધાર્થના નેતૃત્વમાં પોલીસ ઇન્સ્પેક્ટર વી.આર. જાડેજા, પોલીસ ઇન્સ્પેક્ટર બી.એમ. પટેલ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.પી. વામોરાની ટીમ મુન્દ્રા રવાના થઈ હતી. બીજી તરફ ATS કચેરી ખાતે ટેક્નિકલ ઓપરેશન માટે અલગ ટીમ કાર્યરત રહી હતી. ATSની ટીમે મુન્દ્રા ખાતે કોસ્ટ ગાર્ડના અધિકારીઓ સાથે સંકલન સાધી સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું હતું. કોસ્ટ ગાર્ડની બોટ દ્વારા દર્શાવાયેલા સ્થળે પહોંચીને દેખરેખ રાખવામાં આવી રહી હતી. ત્યારે નજીકમાં ઉભેલા ‘યુરોપ’ કાર્ગો જહાજ પર બે શંકાસ્પદ વ્યક્તિઓની હિલચાલ જોવા મળી હતી. કોસ્ટ ગાર્ડની બોટ નજીક આવતાં જ બંનેએ અનેક ભારે બેગ દરિયામાં ફેંકી દીધી હતી. કોસ્ટ ગાર્ડની મદદથી પાણીમાં તરતી પાંચ બેગ બહાર કાઢવામાં આવી હતી.

બેગોની તપાસ દરમિયાન કુલ 115 પેકેટ મળી આવ્યા હતા. બે બેગમાંથી એક-એક પેકેટ ખોલીને ડ્રગ ડિટેક્શન કિટથી તપાસ કરતા તેમાં કોકેઇન હોવાનું નિશ્ચિત થયું હતું. કુલ 118.977 કિલોગ્રામ કોકેઇન ઉપરાંત ચાર એપલ એરટેગ પણ મળી આવ્યા હતા. સમગ્ર ઓપરેશન દરમિયાન કચ્છ SOG, કોસ્ટલ પોલીસ અને મરીન પોલીસની ટીમ પણ હાજર રહી હતી. ત્યારબાદ ATS અને કોસ્ટ ગાર્ડની ટીમે કાર્ગો જહાજ પર ચઢી તમામ ક્રૂ મેમ્બરોની પૂછપરછ અને તપાસ હાથ ધરી હતી. પૂછપરછ દરમિયાન જુમા નાસિર ઓમરે કબૂલાત કરી હતી કે તેણે નવેમ્બર 2025માં બ્રાઝિલથી આ કોકેઇનનો જથ્થો જહાજના મોટર રૂમમાં ગુપ્ત રીતે છુપાવ્યો હતો અને પોતાના હેન્ડલરના સૂચન મુજબ તે જથ્થો પહોંચાડવાનો હતો. તપાસ દરમિયાન અન્ય આરોપી ન્ગિંગિતે નાસોરો જુમાને દરિયામાં કૂદી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. હાલ તેની શોધખોળ માટે સર્ચ ઓપરેશન ચાલુ છે.

જહાજની વધુ તપાસ દરમિયાન સ્ટીયરિંગ ગિયર રૂમમાંથી ગાર્મિન કંપનીના GPSMAP 67i GPS અને સેટેલાઇટ કોમ્યુનિકેટર ડિવાઇસ પણ મળી આવ્યા હતા. સમગ્ર મુદ્દામાલ કબ્જે કરીને જુમા નાસિર ઓમરની ધરપકડ કરવામાં આવી છે અને તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બીજી તરફ દિલ્હીમાં જથ્થો સ્વીકારવાના હતા તેવા કેલ્વિન ચુકવુમા અને બ્યારુહાંગા જેમ્સને દિલ્હી પોલીસની મદદથી ગુજરાત ATSએ ઝડપી લીધા છે અને તેમને ગુજરાત લાવવાની કાર્યવાહી ચાલી રહી છે. જહાજ પરના બંને આરોપીઓ તાન્ઝાનિયાના નાગરિક હોવાનું સામે આવ્યું છે, જ્યારે દિલ્હીમાં ઝડપાયેલા આરોપીઓમાંથી એક નાઇજિરિયન અને એક યુગાન્ડાનો નાગરિક છે. સમગ્ર ઓપરેશન દરમિયાન મુન્દ્રા પોર્ટ ઓથોરિટીએ પણ મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો. વિવિધ એજન્સીઓ વચ્ચેના સંકલનનું આ ઓપરેશન ઉત્તમ ઉદાહરણ બની રહ્યું છે અને ગુજરાત ATSએ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ કાર્ટેલ સામે મોટી સફળતા મેળવી હોવાનું માનવામાં આવે છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!