મોરબી-કચ્છ હાઇવે રોડ ઉપર વિદરકા ગામ પાસે આવેલી ડીસન્ટ હોટલના ગ્રાઉન્ડમાં પાર્ક કરાયેલા ટ્રક ટ્રેઇલરમાંથી માળીયા(મીં) પોલીસે અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 468 બોટલો અને 232 ચપલા સહિત કુલ રૂ.34,21,296નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ટ્રકનો ચાલક પોલીસને જોઈ ટ્રક મુકીને ફરાર થઈ ગયો હતો, જેને ઝડપી પાડવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા મળેલી સૂચનાઓના આધારે માળીયા(મીં) પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. ત્યારે મળેલી ચોક્કસ બાતમી મુજબ મોરબી-કચ્છ નેશનલ હાઇવે પર વિદરકા ગામના પાટિયા નજીક આવેલી ડીસન્ટ હોટલના ગ્રાઉન્ડમાં ઉભેલા ટાટા કંપનીના ટ્રક ટ્રેઇલર નંબર RJ-19-GE-9114માં વિદેશી દારૂનો જથ્થો ભરેલો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતા ટ્રકમાં સફેદ માટીના જથ્થા નીચે છુપાવી રાખેલી અલગ અલગ બ્રાન્ડની દારૂની કુલ 468 નાની-મોટી બોટલો તેમજ 232 ચપલા મળી આવી હતી. પોલીસે રૂ. 3,70,416ની દારૂની બોટલો, રૂ. 50,880ની ચપલા અને રૂ. 30 લાખના ટ્રક ટ્રેઇલર સહિત કુલ રૂ. 34,21,296નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ફરાર ટ્રક ચાલકને ઝડપી પાડવા વધુ તપાસ શરૂ કરી છે.






