ધ્રાંગધ્રા-માળીયા હાઇવે પર પૂરઝડપે આવેલા ડમ્પરે પાછળથી ટક્કર મારતા યુવકના બંને પગ અને હાથમાં ફ્રેક્ચર
હળવદ નજીક ધ્રાંગધ્રા-માળીયા હાઇવે પર બેફામ ઝડપે આવતા ડમ્પરે બાઇકને પાછળથી ટક્કર મારતા બાઇકચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ઇજાગ્રસ્ત યુવકને પહેલા હળવદ, બાદમાં મોરબી અને ત્યારબાદ રાજકોટની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
હળવદ તાલુકાના નવા માલણીયાદ ગામે રહેતા ભાવેશભાઈ વાડીલાલભાઈ પરમાર ગત તા.૨૨ મેના રોજ સાંજે પોતાના બાઇક રજી.નં. જીજે-૩૬-ડી-૬૯૨૦ લઈને હળવદ ડીઝલ લેવા ગયા હતા. જ્યાં ડીઝલ નહિ મળતા તેઓ પરત ઘરે જઈ રહ્યા હતા ત્યારે ધ્રાંગધ્રા તરફથી પૂરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલા ડમ્પર નં. જીજે-૧૨-સીટી-૯૨૨૫ના ચાલકે બાઇકને પાછળથી ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો.
અકસ્માતમાં ભાવેશભાઈ રોડ પર પટકાતા ડમ્પરનું ટાયર તેમના બાઇક ઉપર ફરી વળ્યું હતું. ઘટનામાં તેમને જમણા હાથના કોણી નીચેના ભાગે તેમજ બંને પગના સાથળના ભાગે ફ્રેક્ચર જેવી ગંભીર ઇજાઓ પહોંચી હતી. પ્રાથમિક સારવાર બાદ તેમને મોરબી અને ત્યારબાદ રાજકોટની સિનેર્જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા હાલ ઇજાગ્રસ્ત યુવકની ફરિયાદને આધારે હળવદ પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ બીએનએસ કલમ અને એમવી એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.






