માળીયા(મી) તાલુકાના નાના દહીંસરા ગામે આવેલ મહાકાળી માતાજીના મંદિરમાંથી અજાણ્યા ચોરો દ્વારા આશરે રૂ.૪૦ હજાર કિંમતના ૧૩ ચાંદીના છત્તરની ચોરી થયા અંગેના બનાવ મામલે માળીયા(મી) પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
માળીયા(મી) તાલુકાના નાના દહીંસરા ગામે આવેલ કુળદેવી મહાકાળી માતાજીના મંદિરમાંથી ચોરીની ઘટના સામે આવી છે. જે મામલે ગામના ઉપસરપંચ ગજેન્દ્રભાઈ પ્રવિણભાઈ ભાડજા ઉવ.૩૬એ નોંધાવેલી ફરિયાદ મુજબ ગત તા.૨૮ મેના રોજ સવારે તેઓ મંદિરે ગયા ત્યારે માતાજી ઉપર ચડાવેલા ચાંદીના છત્તર જોવા મળ્યા હતા. જોકે સાંજે પરિવારજનો સાથે ફરી મંદિરે પહોંચતા ૧૩ જેટલા નાના-મોટા ચાંદીના છત્તર ગાયબ હોવાનું ધ્યાન પર આવ્યું હતું. જેથી પરિવારજનોએ મંદિરમાં શોધખોળ કરી હોવા છતાં છત્તર મળી આવ્યા ન હતા. અજાણ્યા ચોર ઈસમોએ બપોર દરમિયાન મંદિરમાં પ્રવેશ કરી આશરે ૪૦૦ ગ્રામ વજન કિ.રૂ.૪૦ હજારના ચાંદીના છત્તરની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. હાલ સમગ્ર મામલે માળીયા(મી) પોલીસે ભારતીય ન્યાય સંહિતા કલમ ૩૦૫ અને ૩૩૧(૧) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.






