ખેતરમાં સુતેલા શ્રમિક પરિવાર પર પાંચ શખ્સોનો અમાનુષી ત્રાસ, પતિ-પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી પરિણીતા સાથે દુષ્કર્મ.
મોરબી ગ્રામ્ય વિસ્તારમાં ખેત મજૂરી માટે આવેલા પરિવારમાં પરિણીતા પર દુષ્કર્મની ઘટનાએ ચકચાર મચાવી છે. પાંચ અજાણ્યા શખ્સોએ દીકરીની શોધખોળના બહાને ખેતરમાં પહોંચીને પતિને માર મારી હથિયારો બતાવી પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ત્યારે સમગ્ર ચકચારી બનાવ મામલે તાલુકા પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા વિવિધ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે.
મોરબી ગ્રામ્ય વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાને લઈને ચિંતાજનક સ્થિતિ દર્શાવતો વધુ એક ગંભીર બનાવ સામે આવ્યો છે. વતનથી બે દિવસ પહેલા પેટીયું રળવા માટે મોરબી આવેલા ખેત મજૂર પરિવાર પર દુઃખોનું આભ ફાટી પડ્યું હોય તેવી ઘટના બની છે. ફરિયાદ મુજબ પતિ-પત્ની અને તેમનું નાનું બાળક ખેતરમાં રાત્રિના સમયે સુતેલા હતા ત્યારે પાંચ જેટલા અજાણ્યા શખ્સો ત્યાં ધસી આવ્યા હતા. “અમારી દીકરી ભાગી ગઈ છે અને તેની શોધખોળ કરીએ છીએ” તેમ કહી વાતચીત શરૂ કરી હતી. બાદમાં આરોપીઓએ છરી સહિતના હથિયારો બતાવી પતિને ઢીકા-પાટુનો માર માર્યો હતો અને પતિ તેમજ પુત્રની નજર સામે પરિણીતાને બાજુના ખેતરમાં ખેંચી લઈ ગયા હતા. ત્યાં પતિ અને પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી પાંચ પૈકી એક શખ્સે પરિણીતાની સાથે દુષ્કર્મ આચર્યું હતું.
ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અજાણ્યા પાંચેય નરાધમ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓને ઝડપી લેવા માટે તાલુકા પોલીસ ઉપરાંત એલસીબી અને એસઓજી સહિતની અલગ અલગ ટીમો બનાવી વિવિધ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.






