પાલિકાની કચેરીમાં જ સર્જાયો હોબાળો: પાણી પહોંચાડવાના મુદ્દે તકરાર બાદ સ્ટીલની સ્ટીકથી જાહેરમાં માર માર્યો.
હળવદ નગરપાલિકાના પાણી પુરવઠા વિભાગમાં ફરજ બજાવતા ક્લાર્કે સેનિટેશન ચેરમેન ભરતભાઈ રબારી સામે મારામારીની ફરિયાદ નોંધાવી છે. પાણી પહોંચાડવા બાબતે પ્રથમ ફોન ઉપર ગાળો આપી બાદમાં પાલિકા કચેરીએ આવી સ્ટીલની સ્ટીકથી જાહેરમાં માર મારી ઈજા પહોંચાડી હતી.
હળવદ નગરપાલિકાના પાણી પુરવઠા વિભાગમાં કરાર આધારિત ક્લાર્ક તરીકે ફરજ બજાવતા તુષારદાન મનહરદાન ગઢવી ઉવ.૩૩ રહે. રુદ્ર ટાઉનશીપ-૨ હળવદ મૂળ કવાડીયા ગામ તા.હળવદ વાળાએ હળવદ પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓ કચેરીમાં ફરજ પર હતા ત્યારે હળવદ નગરપાલિકાના સેનિટેશન ચેરમેન ભરતભાઈ નાનુભાઈ રબારીએ ફોન કરી પાણી પહોંચાડવાના મુદ્દે ગાળો આપી હતી. જે બાદ આરોપી ભરતભાઈ રબારી નગરપાલિકાની કચેરીએ આવી અને બોલાચાલી બાદ ઝપાઝપી કરી હતી. આ દરમિયાન તેમના હાથમાં રહેલી સ્ટીલની સ્ટીક વડે હુમલો કરતાં ફરિયાદીને બંને હાથના કાંડા પર ઈજા પહોંચી હતી તેમજ ઝપાઝપી દરમિયાન ડોકના ભાગે પણ નખોરિયા ભર્યા હતા. ત્યારે બનાવ સમયે હાજર પાલિકાના કર્મચારીઓ અને સભ્યોએ વચ્ચે પડી ફરિયાદીને વધુ મારથી છોડાવ્યા હતા. હાલ હળવદ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.






