ટંકારા તાલુકાના નસીતપર ગામ પાસે આવેલા ડેમી-૨ ડેમમાંથી ચેકડેમો ભરવા માટે ૧૫ એમસીએફટી પાણી છોડવાનો નિર્ણય લેવાયો છે. જેના અનુસંધાને તા.૧૫ જૂનના રોજ સવારે ૯ વાગ્યે ડેમના બે દરવાજા ખોલવામાં આવશે. તંત્ર દ્વારા હેઠવાસના ગામોના લોકોને નદીના પટમાં અવરજવર નહીં કરવા અપીલ કરવામાં આવી છે.
ડેમી-૨ સિંચાઈ યોજના નસીતપર દ્વારા જાહેર કરાયેલા ચેતવણી સંદેશ મુજબ ડેમના હેઠવાસમાં આવેલા ચેકડેમો ભરવા માટે કુલ ૧૫ એમસીએફટી પાણી છોડવાની દરખાસ્તને ગુજરાત સરકારના નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ મંજૂરીના આધારે તા.૧૫ જૂન ૨૦૨૬ના રોજ સવારે ૯.૦૦ કલાકે ડેમના બે રેડિયલ ગેટ એક ફૂટ સુધી ખોલવામાં આવશે. જેના કારણે અંદાજે ૧૧૦૧ ક્યુસેક પાણીનો પ્રવાહ છોડવામાં આવશે. પાણી છોડવામાં આવતાં મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના નસીતપર, નાના રામપર અને મોટા રામપર ગામો તેમજ મોરબી તાલુકાના ચાંચાપર, ખાનપર અને કોયલી ગામોના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને સાવચેત રહેવા માટે તંત્ર દ્વારા ખાસ સૂચના આપવામાં આવી છે.






